
- ડોકટરોની અછત જગ્યાઓ ખાલી રહેવી જોઈએ નહીં
- 3 લાખ ડિપોઝિટ ભરી છત્તા એડમિશન પરત ખેંચાયું
અમદાવાદ, 07 જાન્યુઆરી (હિ.સ.) : ગુજરાત હાઇકોર્ટે MBBSની 3 જગ્યા ભરવા માટે પ્રવેશ રાઉન્ડ કરવા આદેશ કર્યો. ગુજરાત મેડિકલ કોલેજ એસોસિએશન દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં મેડિકલ કાઉન્સિલિંગ કમિટી અને એડમિશન કમિટી અંડર ગ્રેજ્યુએટ મેડિકલને નિર્દેશો આપતી માંગ કરવામાં આવી હતી.
તેઓએ માંગ કરી હતી કે MBBSના પ્રથમ વર્ષમાં ત્રણ જગ્યાઓ ખાલી પડી છે. જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવે.
અગાઉ વર્ષ 2025માં અરજી કરવામાં આવી હતી. જેમાં MBBS કોર્સમાં 57 જગ્યાઓ ખાલી હતી. જેમાં કોર્ટના નિર્દેશથી પ્રવેશ પ્રક્રિયાનો ચોથો અને પાંચમો રાઉન્ડ યોજવામાં આવ્યો હતો. આ બેઠકો ભરાઈ ચૂકી હતી. પરંતુ 3 વિદ્યાર્થીઓએ એડમિશન પરત ખેંચ્યું હતું. જો આ ત્રણ બેઠકો ભરવામાં આવે તો 3 ઉજળા લોકોનું ભવિષ્ય સુધરી શકે તેમ છે.
હાઇકોર્ટે નોધ્યું હતું કે દેશમાં ડોક્ટરોની અછત છે, ત્યારે ત્રણ મેડિકલ સીટોને ખાલી રાખી શકાય નહીં.
અગાઉના રાઉન્ડમાં વિદ્યાર્થીઓએ 3 લાખ રૂપિયાની ડિપોઝિટ ભરી હોવા છતાં એડમિશન કેન્સલ કરાવ્યા હતા. જેથી ઓથોરિટી ડિપોઝિટની રકમ સાથે અન્ય કોઈ યોગ્ય શરત રાખીને 10 દિવસની અંદર મેડિકલ પ્રવેશનો વધુ એક રાઉન્ડ યોજી 03 સીટો ભરવી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ