માળીયા હાટીનાના કુકસવાડા ગામની ગૌશાળા એક પ્લાન્ટ સ્થાપી આત્મનિર્ભર થવા માટે બની અગ્રેસર
સોમનાથ 9 જાન્યુઆરી (હિ.સ.)જૂનાગઢ માળીયા હાટીના તાલુકાના કુકસવાડા ગામે વર્ષોથી એક ગૌશાળા દ્વારા બિમાર ગાયોની સેવા સુશ્રુષા થઈ રહી છે, ગામના જ સેવાભાવી યુવકો વડીલો સાથે મળી આ સેવા કાર્ય કરી રહ્યા છે. પરંતુ હવે આ ગૌશાળાનું એક પ્લાન્ટ શરૂ થવાથી ચિત્ર
માળીયા હાટીનાના કુકસવાડા ગામની ગૌશાળા


સોમનાથ 9 જાન્યુઆરી (હિ.સ.)જૂનાગઢ માળીયા હાટીના તાલુકાના કુકસવાડા ગામે વર્ષોથી એક ગૌશાળા દ્વારા બિમાર ગાયોની સેવા સુશ્રુષા થઈ રહી છે, ગામના જ સેવાભાવી યુવકો વડીલો સાથે મળી આ સેવા કાર્ય કરી રહ્યા છે. પરંતુ હવે આ ગૌશાળાનું એક પ્લાન્ટ શરૂ થવાથી ચિત્ર બદલાયું છે.

બન્યું એવું છે કે, બી.આર.સી- બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર શરૂ થવાથી, છાણીયું ખાતર રૂ. ૨નું કિલો વેચાતું તે હવે પ્રાકૃતિક કૃષિના આયામો અનુસાર પદ્ધતિસર ઉત્પાદન કરવાથી ૧૦ રૂપિયે કિલો વેચાઈ રહ્યું છે.

આજે અહીં પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોની સાથે રાસાયણિક કૃષિ કરતાં ખેડૂતો પણ આ ગૌશાળામાં બીઆરસી યુનિટ દ્વારા ઉત્પાદિત થતાં ઘનજીવામૃત- જીવામૃતનું એડવાન્સમાં બુકિંગ થઈ જાય છે.

ગોદાવરી કામેશ્વર વ્યાસ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને માં ગૌ સેવા હોસ્પિટલ નામે ઓળખાતી કુકસવાડા ગામની ગૌશાળામાં અકસ્માતની ભોગ બનનાર કે ગંભીર રીતે બિમાર ગાયોની અહીં સેવા સારવાર કરવામાં આવે છે.

આ ગૌશાળાના સેવા કાર્યોમાં યોગદાન આપતા અને પ્રાકૃતિક કૃષિ કરતાં મોહનભાઈ પંડિત જણાવે છે કે, ગુજરાત સરકારની બીઆરસી યોજનાથી અમારી ગૌશાળા આત્મનિર્ભર થવા માટે અગ્રેસર બની છે, આજથી બે ત્રણ વર્ષ પૂર્વે ગૌશાળાનું ખાતરના વેચાણથી વાર્ષિક ૨- ૩ લાખની આવક થતી હતી તે આજે ઘન જીવામૃત જીવામૃત વગેરે બનાવીને વેચાણ કરવાથી અંદાજે રૂ.૧૦ લાખની થવા જઈ રહી છે.

તેમણે જણાવ્યું કે, એક સમયે ગૌશાળાનું ખાતર ટ્રેલરના ભાવે વેચાતું હતું, પણ હવે પ્રાકૃતિક કૃષિના આયામો અનુસાર ઘન જીવામૃત ૫૦ કિલોની બેગનું રૂ.૫૦૦માં વેચાણ થઈ રહ્યુ છે.

તેમણે એમ પણ કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો માટે ગાય હોવી જરૂરી છે પરંતુ બી.આર.સી યોજના હેઠળ શરૂ થયેલો આ પ્લાન્ટથી ખેડૂતોને ધનજીવાવૃત જીવામૃત વગેરે પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોને સરળતાથી મળી રહે છે. ઉપરાંત રાસાયણિક ખેતી કરતા ખેડૂતોમાં પણ અમારી ગૌશાળાના ઘન જીવામૃતની ભારે ભાગ રહે છે, મોટેભાગે તેનું એડવાન્સમાં પણ બુકિંગ થઈ જાય છે.

મહત્વનું છે કે, ગુજરાત સરકારની બીઆરસી યોજના હેઠળ ગૌશાળા, પાંજરાપોળ અથવા સહકારી સંસ્થાઓને આ ઘન જીવામૃત પ્લાન્ટ શરૂ કરવા માટે કુલ ખર્ચના ૫૦ ટકા અથવા અથવા મહત્તમ રૂ. ૧.૨૦ લાખ સુધીની સહાય આપવામાં આવે છે, કુકસવાડા ગામની આ ગૌશાળા ને પણ આત્મા પ્રોજેક્ટ જૂનાગઢના સક્રિય સહયોગથી રૂ.૧.૧૭ લાખની સહાય મળી છે.

મોહનભાઈ પંડિત એમ પણ કહ્યું કે, બી.આર.સી. યોજના હેઠળનો આ પ્લાન્ટ શરૂ થવાથી રાસાયણિક ખેતી કરતાં ખેડૂતો પણ પ્રાકૃતિક કૃષિ કરવા માટે પ્રેરાઈ રહ્યા છે, કારણ કે રાસાયણિક કૃષિ કરતાં ખેડૂતોને પણ ઘન જીવામૃત નો ફાયદો પોતાની ખેતીમાં થઈ રહ્યો છે.

કુકસવાડા ગામની ગૌશાળા નયન ઠક્કર, ડો. તન્ના, નરેન્દ્રસિંહ રાયજાદા, વેટરનરી ડો. પરાગ ડાકી, પ્રદ્યુમનસિંહ રાયજાદા, મયુર ગળચર, પ્રતિપાલસિંહ રાયજાદા સહિતના અગ્રણીઓ ગ્રામજનોના સેવાભાવ અને સહયોગથી ગાયોની સેવા થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત સરકારે ઘણા ખેડૂતો પાસે દેશી ગાય હોતી નથી અથવા તેમની પાસે જીવામૃત બનાવવાનો સમય હોતો નથી. આવા ખેડૂતોને તૈયાર જૈવિક ઈનપુટ્સ મળી રહે તે માટે તેમણે BRC કેન્દ્રો સ્થાપવા પર ભાર મૂક્યો છે. આમ, ગૌશાળાઓ માત્ર દૂધ કે અન્ય આવક પર નિર્ભર ન રહેતા BRC દ્વારા ઘન જીવામૃત વેચીને આત્મનિર્ભર બની શકે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande