
સોમનાથ 9 જાન્યુઆરી (હિ.સ.)
ગીર સોમનાથ
સોમનાથ સ્વાભિમાન પર્વ અંગેની પૂર્વ તૈયારીઓની મહત્વપૂર્ણ માહિતી આપતા રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે સોમનાથ મંદિર સાથે દેશના લાખો નાગરિકોની શિવ ભક્તિ અને આસ્થા અખંડ રીતે જોડાયેલી છે.
મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સંસ્કૃતિ અને આધ્યાત્મને આધાર બનાવી દેશને આગળ વધારવા માટે સતત કાર્ય કરી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ દેશ અને રાજ્યના આસ્થાના કેન્દ્રોની મહત્તા નવી પેઢી સુધી પહોંચાડી શકાઇ છે. સોમનાથમાં ત્રણ દિવસ માટે ઉજવાઇ રહેલું સોમનાથ સ્વાભિમાન પર્વ લોકોના હૃદયમાં વસેલી આસ્થાનું પ્રતિબિંબ છે.
તેમણે ઉમેર્યું હતું કે સોમનાથ મંદિરમાં ૭૨ કલાકના અખંડ ૐકાર જાપનો વિચાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો છે. વિશ્વના કલ્યાણ અને માનવજાતિના મંગળ માટે ઋષિકુમારો દ્વારા સતત ૭૨ કલાક ૐકાર જાપ કરવામાં આવી રહ્યો છે. આ પવિત્ર અવસર શિવ ભક્તિ અને આધ્યાત્મિક શક્તિનો અનોખો સંગમ બની રહ્યો છે.
મંત્રીએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મહાદેવનો જીર્ણોદ્વાર કરાવીને રાષ્ટ્રની આસ્થા અને સ્વાભિમાનને પુનઃસ્થાપિત કર્યું હતું. ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા માટે અનેક મહાન આત્માઓએ બલિદાન આપ્યાં છે, તેમના સ્મરણ અને સન્માન રૂપે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવવામાં આવી રહ્યું છે.
આવતીકાલ તા. ૧૦ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથની પવિત્ર ભૂમિ પર પધારવાના છે. તેમની ઉપસ્થિતિમાં સોમનાથ સ્વાભિમાન પર્વ ઐતિહાસિક બનશે. વડાપ્રધાનના અભિવાદન માટે ૧૦૮ ઘોડાઓની શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ ભવ્ય ડ્રોન શૉ દ્વારા આ ઉજવણીને વિશેષ આકર્ષક બનાવવામાં આવશે.
મંત્રીએ જણાવ્યું કે રાજ્યભરમાંથી લાખો ભક્તો સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી બનવા સોમનાથ આવી રહ્યા છે. રાજ્યના સાધુ-સંતો દ્વારા આજે સોમનાથમાં ભવ્ય રેવાડી કાઢવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા કરાયેલી સુવ્યવસ્થિત આયોજન, ભવ્ય રોશની અને સુસજ્જ વ્યવસ્થાઓ થી સોમનાથની દિવ્યતા ચારે તરફ પ્રસરી રહી છે.
તેમણે તમામ સમાજના નાગરિકોને સનાતન ધર્મના આ ઐતિહાસિક પર્વમાં સહભાગી બનવા આમંત્રણ આપ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહેશે.
અંતમાં મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ ખાતે યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં પણ સહભાગી બનવાના છે, જે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિકાસ અને રોકાણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ