
Gujarat, 09 જાન્યુઆરી (હિ.સ.)
જૂનાગઢના મહાશિવરાત્રીના મેળાની તર્જ ઉપર સાધુ સંતો અને દિગંબર સાધુઓની સોમનાથના શંખ ચોકથી સોમનાથ મંદિર સુધી ભવ્ય રવેડી નીકળી હતી. આ રવેડીમાં આધ્યાત્મિક ઊર્જા સભર વાતાવરણથી ભારતીય સંસ્કૃતિનો બુલંદ જોવા મળ્યો હતો. સાથે જ સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આ સાધુ-સંતોની ભવ્ય રવાડી દરમિયાન સોમનાથની પવિત્ર ભૂમિ પર ભક્તિ, પરંપરા અને શૌર્યનો અનોખો સંગમ પણ જોવા મળ્યો હતો.
રવાડીમાં અગ્નિ આહ્વાન અખાડા, જૂના અખાડા સહિતના સંતો જોડાયા હતા. ઇન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદ બાપુ સહિતના અગ્રણી સંતોની વિશેષ ઉપસ્થિતિમાં આ ભવ્ય રવાડી નીકળી હતી.
ભારતીય સંસ્કૃતિની પાવન પરંપરાને ઉજાગર કરતી આ રવાડીમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઉર્જા રાજ્ય મંત્રીકૌશિકભાઇ વેકરીયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, શ્રી સંજયભાઈ કોરડીયા સહિતના પદાધિકારીઓ આસ્થાભેર ભવ્ય સહભાગી બન્યા હતા. ઉપરાંત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ ધાર્મિક ઉલ્લાસથી છલકાયું હતું.
વીર હમીરજી ચોકમાં પહોંચ્યા બાદ સંતો ધ્વજા લઈ સોમનાથ મંદિરમાં પહોંચ્યા હતા અને ત્યાં ધ્વજા અર્પણ કરી હતી. હમીરજી ચોકમાં લોકોની ભારે ભીડ જામી હતી.
સોમનાથ સ્વાભિમાન પર્વમાં જૂનાગઢના શિવરાત્રીના મેળા જેવો માહોલ સોમનાથમાં અનુભવાયો હતો.
આ રવાડીમાં દિગમ્બર સાધુઓ દ્વારા રજૂ કરાયેલા વિવિધ કરતબોએ લોકોમાં વિશેષ શ્રદ્ધાનો માહોલ જગાવ્યો હતો.સાધુઓએ પોતાની અદભૂત શારીરિક ક્ષમતાઓ અને સાધનાનો પરિચય આપતાં પરંપરાગત રીતે કરતબો રજૂ કર્યા હતા.
દિગમ્બર સાધુઓએ તલવારબાજી સહિત વિવિધ અંગકસરતના દાવો રજૂ કરી પોતાની શૌર્યકલા અને આત્મશક્તિનું દર્શન કરાવ્યું હતું. તેમના આત્મવિશ્વાસભર્યા અને શિસ્તબદ્ધ પ્રદર્શનથી દર્શકોમાં તાળીઓ અને જયઘોષ ગુંજી ઊઠ્યા હતા.
રવાડી દરમિયાન સર્જાયેલો માહોલ શિવરાત્રી નિમિત્તે જૂનાગઢમાં યોજાતા પરંપરાગત મેળાની રવાડી જેવો લાગતો હતો. ધાર્મિક ઉત્સવ સાથે લોકસંસ્કૃતિની ઝલક સોમનાથમાં સ્પષ્ટ રીતે અનુભવાઈ રહી હતી.
સાધુ-સંતોની રવાડીમાં દિગમ્બર સાધુઓના કરતબોએ સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્યતા અને વિશિષ્ટતા વધારી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ