ભચાઉમાં કોપર કેબલનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો: બે શખ્સો પોલીસની પકડમાં, મુદ્દામાલ કબજે
કચ્છ, 01 ઓક્ટોબર (હિ.સ.) : ભચાઉ પંથકમાં મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા અને અગાઉ બનેલા ગુનાઓના ભેદ ઉકેલવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ તથા બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરવામાં આવ્યું છે. આ દરમિયાન ભચાઉ પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે કોપર કેબલના જથ્થા સા
કોપર કેસના આરોપી


કચ્છ, 01 ઓક્ટોબર (હિ.સ.) : ભચાઉ પંથકમાં મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા અને અગાઉ બનેલા ગુનાઓના ભેદ ઉકેલવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ તથા બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરવામાં આવ્યું છે. આ દરમિયાન ભચાઉ પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે કોપર કેબલના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસની કાર્યવાહી દરમિયાન બંને પાસેથી કોપર કેબલ ઉપરાંત એક સ્પ્લેન્ડર મોટરસાઇકલ મળી આવતા કુલ રૂ.36 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ ભચાઉ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે સમયે પોલીસને બાતમી મળી હતી કે કલ્યાણપર ગામના બે શખ્સો પાસે કોપર કેબલનો જથ્થો છે અને આ કેબલ ચોરી અથવા છળકપટથી મેળવવામાં આવ્યો હોવાની શંકા છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને બાતમીમાં દર્શાવાયેલા બંને શખ્સોને અટકાવી તેમની પાસે રહેલા સામાનની તપાસ કરી હતી.

તપાસ દરમિયાન તેમની પાસેથી અંદાજે 15 કિલોગ્રામ વજનનો કોપર કેબલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ કેબલ અંગે જરૂરી પૂછપરછ હાથ ધરી હતી. સાથે જ તેમની પાસેથી GJ-39-K-4369 નંબરની સ્પ્લેન્ડર મોટરસાઇકલ પણ કબજે કરવામાં આવી હતી. પોલીસે કોપર કેબલની કિંમત રૂ.6 હજાર અને મોટરસાઇકલની કિંમત રૂ.30 હજાર ગણી કુલ રૂ.36 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ કાર્યવાહી દરમિયાન ભચાઉ તાલુકાના કલ્યાણપર ગામના જગદિશ શંભુભાઈ ભીલ, ઉંમર 25 વર્ષ, અને રાહુલ કરશનભાઈ ભીલ, ઉંમર 20 વર્ષ,ને પોલીસે ઝડપી પાડ્યા છે. બંને શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોપર કેબલ ક્યાંથી મેળવવામાં આવ્યો હતો અને તેની પાછળ કોઈ ચોરી કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિ સંકળાયેલી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ સમગ્ર કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. પોલીસની તપાસ આગળ વધતા કેબલના જથ્થાના મૂળ સ્ત્રોત સહિત અન્ય વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande