
કચ્છ, 01 ઓક્ટોબર (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે પોલીસે હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન શંકાસ્પદ ફોર્ચ્યુનર કારનો પીછો કરતાં ફિલ્મી ઢબે પીછો કરવાની ઘટના બની હતી. અંતે કારના ટાયર ફાટતાં ચાલક વાહન રસ્તા પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી. આ દરમિયાન ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
પેટ્રોલિંગ દરમિયાન નુરી મસ્જિદ કટ નજીક GJ-18-BJ-9408 નંબરની ફોર્ચ્યુનર કાર શંકાસ્પદ જણાતા પોલીસે તેનો પીછો શરૂ કર્યો હતો. પોલીસની હિલચાલની જાણ થતાં કારચાલકે નુરી મસ્જિદથી ગાંધીધામ બસ સ્ટેશન તરફના સર્વિસ રોડ પર કાર દોડાવી યુ-ટર્ન લીધો હતો અને ત્યારબાદ ચુંગી નાકા તરફ પૂરઝડપે કાર હંકારી હતી. જોકે ચુંગી નાકા નજીક કારના ટાયર ફાટી જતાં ચાલકે કાર ત્યાં જ છોડી ભાગી છૂટ્યો હતો.
પોલીસ ટીમે કારની તપાસ કરતાં તેમાં ગ્રીન લેબલ બ્લેન્ડેડ વ્હિસ્કીની 750 મિલીની 118 બોટલ અને 180 મિલીની 718 બોટલ, 8 PM સ્પેશિયલ રેર વ્હિસ્કીની 750 મિલીની 114 બોટલ તથા 180 મિલીની 718 બોટલ મળી આવી હતી. ઉપરાંત કિંગફિશર રેગલ સ્ટ્રોંગ પ્રીમિયમ બિયરના 500 મિલીના 256 ટીન પણ મળી આવ્યા હતા.
પોલીસે દારૂ-બિયરના જથ્થા સાથે ફોર્ચ્યુનર કાર સહિત કુલ રૂ.13,42,580નો મુદ્દામાલ કબજે કર્યો છે. કારચાલકની ઓળખ હજુ તપાસનો વિષય છે અને તે ફરાર હોવાથી તેને ઝડપી પાડવા તથા દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની બાબતો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ફરાર કારચાલક સામે પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar