
અમદાવાદ,20 ઓકટોબર (હિ.સ.) આજે દશેરાએ રાજ્યભરમાં રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા. આ વર્ષે અમદાવાદના ભાડજના હરે કૃષ્ણ મંદિર અને મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરે 61 ફૂટ ઊંચાં રાવણનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું, જ્યારે થલતેજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાવણ દહન કરવામાં આવ્યું હતું. આ રાવણ દહન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર અને આઇસીસી ચેરમેન જય શાહ પણ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાવણ, મેઘનાથ અને કુંભકરણના પૂતળાનું દહન કરાયું
રાજકોટમાં નશામુક્તિ અભિયાનરૂપે રાવણના પૂતળા દહન કરાયું હતું અને લોકોએ ફ્લેશ લાઇટ કરી નશામુક્તિ અભિયાન સાથે સહમતિ દર્શાવી હતી.રાજકોટમાં યોજાયેલા રાવણ દહન કાર્યક્રમમાં રાજકોટ લોકસભાના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, સીતાજીના હરણની કોઈ તારીખ અને તિથિ નથી. આમ છતાં રાવણને દર વર્ષે સળગાવી રહ્યા છીએ.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ