

ગાંધીનગર,20 ઓકટોબર (હિ.સ.) ગુજરાતના પાટનગર ગાંધીનગરની પાદરે આવેલા કોલવડા ગામમાં આસો સુદ આઠમના પવિત્ર દિવસે ગામની આગવી ઓળખ સમાન મા લાલઘરની પરંપરાગત સગડીનો ધાર્મિક પ્રસંગ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. અંદાજે 500 વર્ષ જૂની આ પરંપરા કોલવડિયા નાયક પરિવાર દ્વારા પેઢી દર પેઢી નિભાવવામાં આવે છે. આ પ્રસંગ કોલવડા ગામની ધાર્મિક આસ્થા, સાંસ્કૃતિક વિરાસત અને સમૂહભાવનાનું પ્રતીક બની રહ્યો છે.
કોલવડા ગામમાં પ્રાચીન સમયથી મા લાલઘરનું મંદિર આવેલું છે. માતાજી પ્રત્યેની આકરી બાધા અને માનતાની પરંપરા અંતર્ગત ભાદરવા માસની શરૂઆતથી ધાર્મિક વિધિઓનો પ્રારંભ થાય છે. નવરાત્રિના આસો સુદ આઠમના દિવસે માતાજીની સગડી અને નોમના દિવસે પરંપરાગત ભવાઈનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ દશેરાના પવિત્ર દિવસે માતાજીના નિજ મંદિરે હવન અને પૂજા કરીને બાધાની પૂર્ણાહુતિ કરવામાં આવે છે.
આસો સુદ આઠમના દિવસે સમગ્ર કોલવડા ગામના લોકો એકત્રિત થઈ આ પરંપરાના સાક્ષી બને છે. કોલવડિયા નાયક પરિવાર દ્વારા માતાજીનો પરંપરાગત વેશભૂષા ધારણ કરવામાં આવે છે. ગામના માઁ વારાહી માતાજીના મંદીર પાયલ બાંધી તેની આગેવાની હેઠળ વિધિ કરવામાં આવે છે.
ત્યારબાદ પાટીદાર માંડવી ચોક ખાતે પહોંચીને માતાજીના પ્રાગટ્ય અને આશીર્વાદ સાથે જોડાયેલી પરંપરાગત વાતો રજૂ કરવામાં આવે છે. આ પ્રસંગે પાટીદાર પરિવાર દ્વારા ગઢની નિમિત્તે માતાજીના વાળમાં તેલ પૂરવાની વિધિ કરવામાં આવે છે.
આ તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ માતાજીનો વેશ ધારણ કરનાર કોલવડિયા નાયક પરિવાર સળગતી સગડી હાથમાં લઈને ચોકમાં પરંપરાગત ગરબી રમે છે. અંતે સગડીને બાજોઠ પર ફોડવામાં આવે છે. આ સમગ્ર પ્રસંગ દરમિયાન ગામમાં ભક્તિમય વાતાવરણ સર્જાય છે અને ગ્રામજનો પરંપરા પ્રત્યેની પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે.
મા લાલઘરની આ પરંપરા માત્ર ધાર્મિક વિધિ પૂરતી સીમિત નથી, પરંતુ તે કોલવડા ગામના સામૂહિક જીવન, લોકસંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાનું મહત્ત્વપૂર્ણ પ્રતીક છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાના માધ્યમથી નવી પેઢીને ગામની સંસ્કૃતિ, ધાર્મિક માન્યતાઓ અને પરંપરાગત રીતરિવાજોનો પરિચય મળે છે.
આજના આધુનિક સમયમાં પણ કોલવડા ગામના લોકો દ્વારા પોતાની પરંપરા અને સાંસ્કૃતિક ઓળખને જીવંત રાખવાના પ્રયાસો પ્રશંસનીય છે. કોલવડિયા નાયક પરિવારની પરંપરાગત ભૂમિકા અને સમગ્ર ગામની સહભાગિતા આ ઉત્સવને વિશિષ્ટ બનાવે છે.
આમ, આસો સુદ આઠમના દિવસે ઉજવાતી મા લાલઘરની સગડી કોલવડા ગામની શ્રદ્ધા, સમર્પણ અને સમૃદ્ધ લોકસંસ્કૃતિની આગવી ઓળખ બની રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ