
પાટણ, 23 ઓક્ટોબર (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના કાકોશી પંથકની સગીરાનું અપહરણ કરી અલગ-અલગ સ્થળોએ લઈ જઈ અવારનવાર દૂષ્કર્મ આચરવાના કેસમાં પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી અલ્કેશજી સમરાજી ઠાકોરને 20 વર્ષની સખત કેદ અને કુલ રૂ. 1,05,000નો દંડ ફટકાર્યો છે. કોર્ટે દંડની રકમમાંથી રૂ. 1 લાખ ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો છે. તેમજ વધુ વળતર આપવા માટે પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ કરી છે.
બનાવની વિગત મુજબ, તા. 07/12/2023ના રોજ સરસ્વતી તાલુકાના વધાસર ગામના રહેવાસી આરોપી અલ્કેશજી સમરાજી ઠાકોરે સિદ્ધપુર તાલુકાના એક ગામની કિશોરીને ફોન કરીને બોલાવી હતી. ત્યારબાદ તેને ગાડીમાં બેસાડી અલગ-અલગ સ્થળોએ લઈ ગયો હતો. બંને પાટણથી આઈસર મારફતે અમદાવાદ ગયા હતા અને ત્યાંથી ચોટીલા, મહેસાણા, સુરત તથા ચીખલી સહિતનાં સ્થળોએ 10 દિવસ સુધી રહ્યા હતા. અંતે પોલીસ તબેલામાં પહોંચી બંનેને ઝડપી પાડી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. કિશોરીએ આરોપી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરતાં પોલીસે તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એમ. એ. શેખ સમક્ષ ચાલેલા આ કેસમાં સરકારી વકીલ જિતેન્દ્ર જે. બારોટે દલીલો રજૂ કરી હતી. કોર્ટે આરોપીને આઈપીસી કલમ 363 હેઠળ 3 વર્ષની સખત કેદ, કલમ 366 હેઠળ 5 વર્ષની સખત કેદ અને રૂ. 5,000નો દંડ, કલમ 3(અ) અને 4 હેઠળ 10 વર્ષની સખત કેદ અને રૂ. 30,000નો દંડ તથા પોક્સો એક્ટની કલમ 5(એલ) સાથે કલમ 6 હેઠળ 20 વર્ષની સખત કેદ અને રૂ. 50,000નો દંડ ફટકાર્યો હતો.
ચુકાદા દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે ભોગ બનનાર સગીરા હોવાથી કાયદા મુજબ તે સંમતિ આપવા માટે સક્ષમ નહોતી. આરોપી તેની ઉંમર જાણતો હોવા છતાં તેને અલગ-અલગ સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાથી તે દયાને પાત્ર નથી. આ નોંધ સાથે કોર્ટે કડક સજાનો હુકમ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ