


- LCB પશ્ચિમ કચ્છ અને ભુજ એ ડિવિઝન પોલીસની કાર્યવાહી- ઓધવ વંદના સોસાયટીના ચાર શખ્સો સામે અગાઉ વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનો પોલીસનો ઉલ્લેખ
કચ્છ, 25 ઓક્ટોબર (હિ.સ.) : ભુજ શહેરમાં અસામાજિક તત્ત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પશ્ચિમ કચ્છ અને ભુજ એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે. ભુજની સીમમાં આવેલી સર્વે નંબર 870/1 પૈકીની જમીન પરનું દબાણ દૂર કરીને આશરે 450 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ જમીનની અંદાજિત કિંમત રૂ. 54 લાખ છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચના અનુસાર અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવા તેમજ ગેરકાયદે દબાણો દૂર કરાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહી દરમિયાન ઓધવ વંદના સોસાયટી, ભુજ ખાતે રહેતા નુરમામદ ઇબ્રાહીમ અજડીયા, અરમાન નુરમામદ અજડીયા, ઇરફાન નુરમામદ અજડીયા અને સબ્બીર હુશેન નુરમામદ અજડીયા દ્વારા ભુજની સીમમાં આવેલી જમીન પર ગેરકાયદે બાંધકામ કરીને દબાણ કરવામાં આવ્યું હોવાનો પોલીસનો આક્ષેપ છે. આ અંગે ભુજ શહેરના મામલતદારને દબાણ દૂર કરવા માટે અહેવાલ મોકલવામાં આવ્યો હતો.
મામલતદારના હુકમના આધારે સંબંધિત લોકોએ અગાઉ પોતાની રીતે દબાણ દૂર કર્યું હતું, પરંતુ દબાણની આસપાસની દીવાલ દૂર કરવામાં આવી નહોતી. આથી, આજરોજ સંબંધિત તંત્ર અને પોલીસની હાજરીમાં બાકી રહેલી દીવાલ પણ દૂર કરવામાં આવી હતી અને અંદાજે 450 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, નુરમામદ ઇબ્રાહીમ અજડીયા સામે મારામારી, નુકસાન પહોંચાડવું, ધમકી અને જુગારધારા સહિતના ગુનાઓ નોંધાયેલા છે. અરમાન નુરમામદ અજડીયા સામે હત્યાના પ્રયાસ સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું જણાવાયું છે. ઇરફાન નુરમામદ અજડીયા સામે પણ હત્યાના પ્રયાસ, છેતરપિંડી અને ધમકી સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસની યાદીમાં દર્શાવાયું છે. જ્યારે સબ્બીર હુશેન નુરમામદ અજડીયા સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 હેઠળ ગુનો નોંધાયેલો હોવાનું જણાવાયું છે.
આ કામગીરીમાં ભુજના પ્રાંત અધિકારી એમ.જે. નાકિયા, મામલતદાર તેજશ એન. પટેલ, LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણા, ભુજ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. નકુમ, નાયબ મામલતદાર એન.બી. પંડ્યા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર. જેઠી, જે.બી. જાદવ અને એમ.એચ. શિણોલ સહિત LCB તથા ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટાફ જોડાયો હતો.
પોલીસ અને મહેસૂલ તંત્રની સંયુક્ત કામગીરીથી જમીન પરનું બાકી રહેલું દબાણ દૂર થતાં જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar