

મઢુત્રા રણમાંથી નર્મદા કેનાલ તરફ આવી રહેલી સ્કોર્પિયોને રોકવાનો પ્રયાસ નિષ્ફળ જતા પોલીસે પીછો કર્યો; ટાયર ફાટતાં ચાલક ગાડી છોડી અંધારામાં ફરાર
કચ્છ, 25 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છના પૂર્વ વિસ્તારમાં દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરી રહેલી રાપર પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે નર્મદા કેનાલ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન દારૂ ભરેલી કાળી સ્કોર્પિયો ગાડી આવી પહોંચતાં તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જોકે, ચાલકે ગાડી ઊભી રાખવાને બદલે પૂરઝડપે ભગાવી મૂકી હતી. પોલીસે પીછો કરતાં આખરે ગાડીના ટાયર ફાટી જતાં ચાલક તેને રસ્તા પર છોડીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીમાંથી દારૂનો જથ્થો અને વાહન સહિત કુલ રૂ. 9.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સરહદી બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા પોલીસ કામગીરી કરી રહી છે. આ દરમિયાન રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ રાત્રિ પેટ્રોલિંગમાં હતો.
તે સમયે પોલીસને બાતમી મળી હતી કે, અંજાર તાલુકાના મેઘપર બોરીચીનો રામકૃષ્ણ ઉર્ફે લાલો મારાજ ગિરજાશંકર વ્યાસ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો કાળી સ્કોર્પિયોમાં ભરી મઢુત્રા રણમાંથી રાપર-ફતેગઢ તરફ નર્મદા કેનાલના માર્ગે આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે કેનાલ નજીક વોચ ગોઠવી હતી. શંકાસ્પદ સ્કોર્પિયો સામે આવતાં તેને અટકાવવાનો પ્રયાસ કરાયો, પરંતુ ચાલક ગાડી ભગાવી ગયો હતો. પીછો દરમિયાન ટાયર ફૂટી જતાં ચાલક કેનાલના કાચા રસ્તા પર ગાડી મૂકીને અંધારું અને ઝાડી-ઝાંખરાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.
પોલીસે વાહનની તપાસ કરતાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ, ક્વાર્ટર અને બિયરના ટીન સહિત કુલ 1,236 નંગ મળી આવ્યાં હતાં, જેની કિંમત રૂ. 2,87,050 આંકવામાં આવી છે. ઉપરાંત રૂ. 7 લાખની સ્કોર્પિયો ગાડી પણ કબજે કરવામાં આવી છે. આમ, કુલ રૂ. 9,87,050નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
આ મામલે રાપર પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર 11993010260553/2026 હેઠળ પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઈ), 116(બી) અને 98(2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રામકૃષ્ણ ઉર્ફે લાલો મારાજ વ્યાસ સહિત સંડોવાયેલા અન્ય લોકો અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.વી. કાતરિયા અને રાપર પોલીસ સ્ટેશનના સ્ટાફે કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar