
ભાવનગર,27 ઓક્ટોબર (હિ.સ.) ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત વિધાનગર સ્થિત મહિલા આઈ.ટી.આઈ. ખાતે સાયબર સુરક્ષા અને ‘પીંક ઓક્ટોબર’ કેન્સર જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં મહિલા તાલીમાર્થીઓને કેન્સરથી બચાવ, સમયસર નિદાન, સાયબર સુરક્ષા અને સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સર ટી. હોસ્પિટલના કેન્સર વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર અને રેડિયેશન ઓન્કોલોજી નિષ્ણાત ડૉ. નિલેશકુમાર કુચાએ મહિલાઓમાં જોવા મળતા વિવિધ પ્રકારના કેન્સર અંગે માહિતી આપી હતી. તેમણે કેન્સર પ્રત્યે જાગૃતિ કેળવવા, સમયસર તપાસ કરાવવા અને પ્રારંભિક તબક્કામાં નિદાનના મહત્ત્વ અંગે સમજણ આપી હતી.
મહિલા આઈ.ટી.આઈ.ના મિહિર ત્રિવેદીએ પ્રાસંગિક ઉદબોધન કરી સંસ્થામાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોની માહિતી આપી હતી. જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્રના મિશન કો-ઓર્ડિનેટર સંજય ઘાઘરેટીયાએ સાયબર સુરક્ષા અને મહિલા સ્વાવલંબન યોજના અંગે માર્ગદર્શન આપ્યું હતું. જેન્ડર સ્પેશિયાલિસ્ટ તુષાર પરમારે વ્હાલી દીકરી યોજના સહિતની મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપી હતી.
આ ઉપરાંત ૧૮૧ મહિલા હેલ્પલાઇનનાં કાઉન્સેલર પ્રિયંકાબેને હેલ્પલાઇનની સેવાઓ, સખી વન સ્ટોપ સેન્ટરનાં કાર્યકર જયશ્રીબેને સેન્ટરની કામગીરી અને પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરનાં કાઉન્સેલર દક્ષાબેને મહિલાઓને ઉપલબ્ધ સહાય સેવાઓ અંગે જાણકારી આપી હતી.
સેમિનારમાં મહિલા આઈ.ટી.આઈ.ની તાલીમાર્થીઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી યોજાઈ હતી, જેમાં તાલીમાર્થીઓની જિજ્ઞાસાનું સમાધાન કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA