
પોરબંદર, 28 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદરના શહિદ ચોક પાસે નવાપાડા વિસ્તારમાં ઠંડું પીણું લેવા આવેલી વ્યક્તિઓએ પૈસા માંગવા બાબતે વેપારી સાથે ઝઘડો કરી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ બનાવમાં વેપારીને હાથમાં પહેરવાના સ્ટીલના કડાથી માર મારી ઇજા પહોંચાડવા ઉપરાંત દુકાનમાં તોડફોડ કરી નુકસાન કર્યાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
પોલીસ ફરિયાદ મુજબ, લાતી બજાર, ખારવાવાડ વિસ્તારમાં રહેતા દિનેશભાઈ શામજીભાઈ શિયાળની દુકાને આરોપીઓ જીતુ લાલજી મસાણી, જય ઉર્ફે કાલુ પ્રવીણભાઈ પાંજરી અને જીવાભાઈ પંપમનો દીકરો ઠંડું લેવા આવ્યા હતા. આ દરમિયાન તેઓ દુકાનનું શટર ખોલી મશ્કરી કરવા લાગ્યા હતા અને દુકાનમાંથી વસ્તુઓ લઈ લેતા હતા. વેપારીએ વસ્તુઓના પૈસા માંગતાં આરોપીઓએ પૈસા આપવાની ના પાડી બોલાચાલી કરી હતી. ત્યારબાદ ઝઘડો કરી અપશબ્દો બોલ્યા હતા. વેપારીએ ગાળો બોલવાની ના પાડતાં આરોપી જય ઉર્ફે કાલુએ હાથમાં પહેરેલા સ્ટીલના કડાથી માર માર્યો હતો. ઉપરાંત દુકાનમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું અને વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ત્રણેય શખ્સોસામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya