
રાજકોટ, 29 ઓક્ટોબર (હિ.સ.) આટકોટ નજીકથી દારૂ ભરેલી કાળા રંગની ક્રેટા કાર સાથે પોરબંદર અને દ્વારકાના બે શખ્સોને રાજકોટ રેન્જ આઈજીની ટીમે ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી લીધા છે. પોલીસે કારમાંથી રૂ.3.39 લાખની કિંમતની દારૂની 1532 બોટલ તેમજ કાર અને મોબાઈલ મળીને કુલ રૂ. 18.54 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂનો આ જથ્થો ચોટીલાના ફુલઝર ગામેથી ભરીને જેતપુર પહોંચાડવાનો હતો. પોલીસે દારૂ સપ્લાય કરનાર, મોકલનાર અને મેળવનાર ત્રણેય બુટલેગરોની શોધખોળ હાથ ધરી છે.
પીએસઆઈ બી. સી. મિયાત્રા અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસ ટીમને ચોક્કસ સંયુક્ત બાતમી મળી હતી કે રાજકોટ-ભાવનગર હાઇવે પરથી એક કાળા રંગની હ્યુન્ડાઇ ક્રેટા કાર દારૂનો મોટો જથ્થો ભરીને પસાર થવાની છે.
બાતમીના આધારે પોલીસ ટીમે આટકોટ બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ ક્રેટા કાર પસાર થતાં પોલીસે આડશ ઊભી કરીને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કારચાલકે પોલીસને જોઈને કાર ઊભી રાખવાને બદલે પૂરપાટ ઝડપે આટકોટ ગામ તરફ હંકારી મૂકી હતી. પોલીસે તુરંત જ કારનો પીછો કર્યો હતો અને ગામમાં અક્ષર ભુવન મકાન પાસેથી કારને આંતરીને સફળતાપૂર્વક ઝડપી લીધી હતી.
પોલીસે કારમાંથી પોરબંદરના બોખીરા વિસ્તારના રાજુ અરજણ હુણ અને દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના રાણપર ગામના ખીમા ઉર્ફે કકન બધાભાઈ હુણની અટકાયત કરી હતી. ત્યારબાદ કારની તલાશી લેતાં તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની કુલ 1532 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, ક્રેટા કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 18,54,480 નો મુદ્દામાલ કબજે કરીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
ઝડપાયેલા બંને શખ્સોની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, તેઓ હાલ શાપર રહેતા વિજય ભાઈજી જોશીના કહેવાથી ચોટીલાના ફુલઝર ગામે રહેતા રામકુ વીકમા પાસેથી દારૂનો જથ્થો ભરીને આવ્યા હતા. આ જથ્થો જેતપુરમાં વિજય જોશી જે વ્યક્તિને બતાવે તેને ડિલિવરી આપવાનો હતો. આ વિગતોના આધારે રાજકોટ રેન્જ આઈજીની ટીમે દારૂ ભરી આપનાર રામકુ વીકમા, મોકલનાર વિજય જોશી અને દારૂ મેળવનાર જેતપુરના બુટલેગર સામે ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્ર ગતિમાન કર્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt