
ગીર સોમનાથ, 30 ઓક્ટોબર (હિ.સ.) :
સોમનાથ મંદિર આસપાસના ચોક્કસ વિસ્તારોમાં માંસાહારી ખોરાકના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકતા રાજ્ય સરકારના જાહેરનામાને ગુજરાત હાઈકોર્ટે રદ કરી દીધું છે. સોમનાથના 6 નોનવેજ રેસ્ટોરન્ટ માલિકો દ્વારા સરકારના આ નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટના સિંગલ જજે આ અરજી પર ચુકાદો આપતાં સરકારી જાહેરનામાને ફગાવી દેતાં સ્થાનિક વેપારીઓને મોટી રાહત મળી છે.
ચુકાદા બાદ રાજ્ય સરકારે સિંગલ જજ સમક્ષ અપીલ કરવા માટે 7 દિવસના સ્ટેની માંગણી કરી હતી, જેને કોર્ટે અસ્વીકાર કર્યો હતો. ત્યારબાદ સરકારે 2 દિવસનો સ્ટે માંગ્યો હતો, પરંતુ કોર્ટે આ માંગણી પણ ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આ નિર્ણય સાથે અરજદારોની રોજીરોટી જોડાયેલી છે, તેથી પ્રતિબંધ પર સ્ટે આપી શકાય નહીં.
સિંગલ જજ તરફથી સ્ટે મેળવવામાં નિષ્ફળ રહ્યા બાદ સરકારી વકીલે તાત્કાલિક ચીફ જજની બેંચનો સંપર્ક કર્યો હતો. રાજ્ય સરકારે ડબલ જજની બેંચ સમક્ષ સિંગલ જજના આ ઓર્ડરને પડકારવા માટે તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે. આ કાનૂની લડાઈ હવે હાઈકોર્ટની ડબલ જજની બેંચ સમક્ષ પહોંચી ગઈ છે.
સ્થાનિક રેસ્ટોરન્ટ માલિકો માટે આ ચુકાદો આજીવિકાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારનું જાહેરનામું રદ થતાં વિસ્તારમાં માંસાહારી ખોરાકના વેચાણ પર મુકાયેલો પ્રતિબંધ હાલ પૂરતો દૂર થયો છે. હવે આ મામલે ડબલ જજની બેંચ દ્વારા ક્યારે સુનાવણી હાથ ધરવામાં આવે છે અને શું આદેશ આપવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt