
મહેસાણા, 30 ઑક્ટોબર (હિ.સ.) : કેન્દ્ર સરકારના ‘ખેત બચાવો અભિયાન’ અંતર્ગત ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સચિવ આતિશ ચંદ્રાએ મહેસાણા જિલ્લાના મકતુપુર ખાતે ખેડૂત શિબિરમાં ખેડૂતોને જમીનનું આરોગ્ય જાળવવા અને સંતુલિત ખાતર વપરાશ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા પર થતી વિપરીત અસરો અંગે સમજાવી જૈવિક ખાતરોનો ઉપયોગ વધારવા અનુરોધ કર્યો હતો.
ગુજરાતમાં 27 ઑક્ટોબરથી શરૂ થયેલા અભિયાન અંતર્ગત કૃષિ સચિવ સહિતની કેન્દ્રીય ટીમે મકતુપુરમાં ખેડૂત દશરથભાઈ પટેલના સમ્રાટ પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી. અહીં જમીનની પ્રત નિહાળી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અંગે માહિતી મેળવી હતી.
ત્યારબાદ ટીમે ઊંઝા APMCની મુલાકાત લઈ મસાલા પાકોની હરાજી પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. APMCના ચેરમેન દિનેશભાઈ પટેલે બજાર વ્યવસ્થા અને વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી હર્ષલ મીના, બાગાયત કમિશનર ડૉ. પ્રભાતકુમાર સહિત કૃષિ વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR