

- ગાંધીનગર જિલ્લામાં 57 સ્થળોએ પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી સંપન્ન
- પીએમ કિસાન સન્માન નિધિ: ગાંધીનગરના 1.27 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં ₹25.42 કરોડ ડીબીટી મારફત જમા
ગાંધીનગર, 30 ઓક્ટોબર (હિ.સ.) દેશના અન્નદાતાઓને ભેટ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા ખાતે આજરોજ પીએમ કિસાન ઉત્સવ દિવસ રાષ્ટ્રીય કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત ગાંધીનગરના ટાઉનહોલ ખાતે જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે ગાંધીનગર જિલ્લા પંચાયતની પ્રત્યેક સીટ દીઠ 2 કાર્યક્રમ એમ કુલ ૫૭ સ્થળોએ પીએમ કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
વડાપ્રધાનએ પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 24 મા હપ્તા પેટે ડી.બી.ટી. મારફત દેશના 9.34 કરોડથી વધુ ખેડૂત કુટુંબોને રૂ. 18680 કરોડથી વધુની સહાય તેમના બેંક ખાતામાં જમા કરાવી છે. આ અંતર્ગત ગુજરાત રાજ્યના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારને રૂ. 1051 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા થઈ છે.
ગાંધીનગર જિલ્લાના કુલ 1,27,125 એક્ટિવ રજિસ્ટર્ડ ખેડૂતોને ૨૪મા હપ્તા પેટે કુલ રૂ.25.42 કરોડ રૂપિયા ડી.બી.ટી. મારફત સીધા બેંક ખાતામાં ચૂકવવામાં આવ્યા છે, જેનાથી જિલ્લાના ખેડૂતોમાં ભારે આનંદની લાગણી પ્રસરી છે.
ગાંધીનગર ટાઉનહોલ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અગ્રણી જગદીશ વિશ્વકર્મા તેમજ ઉપસ્થિત અન્ય મહાનુભાવોના વરદ હસ્તે રામજીના છાપરા ગામના પરમાર મહોબતસિંહ, ગોલધરા ગામના ઠાકોર કાળાજી,ચાંદીસણા ગામના ઠાકોર બલદેવજી તથા ધણપ ગામના રાણા દિલીપસિંહનું પ્રાકૃતિક ખેતી અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરતા સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે છત્રાલ ગામના સહદેવદાન ગઢવીને પશુપાલન ક્ષેત્રે અને ધમાસણા ગામના મહેશ પટેલને બાગાયતી ખેતી ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ સન્માનિત કરાયા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ ખેડૂતો અને નાગરિકોએ ઓનલાઇન માધ્યમથી બનાસકાંઠા ખાતે યોજાયેલા મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. વડાપ્રધાનએ આ અવસરે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને ખેતીમાં સમૃદ્ધિનું માધ્યમ અને નાના અને સીમાંત ખેડૂતો માટે વરદાનરૂપ ગણાવી હતી.
જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશ પટેલ, અગ્રણી આશિષ દવે, પૂર્વ મેયર મીરા પટેલ, હિતેશ મકવાણા કલેક્ટર રવિન્દ્ર ખતાલે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નીલોફર શેખ, અધિક કલેકટર અમિત પરમાર તથા અન્ય અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ