
સુરત, 30 ઓક્ટોબર (હિ.સ.) : સુરતના પાંડેસરા અને બમરોલી વિસ્તારમાં જાણીતી ‘જાનકી ગોલ્ડ’ બ્રાન્ડના નામે નકલી ચોખાનું પેકિંગ કરી વેચાણ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદ સ્થિત જાનકી એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર જતીન રામવાનીની ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં ન્યૂ હરિધામ સોસાયટીમાં આવેલી શ્રી અગ્રવાલ ટ્રેડિંગ કંપનીમાંથી ‘જાનકી ગોલ્ડ’ના નામવાળી 5,250 નકલી ખાલી પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી હતી.
પોલીસની પૂછપરછમાં કંપનીના માલિક સુરજ અગ્રવાલે આ નકલી થેલીઓમાં ચોખા ભરીને બમરોલીની આવિર્ભાવ સોસાયટીમાં આવેલી શ્રી સાંઈ ટ્રેડિંગ કંપનીને વેચાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે ત્યાં દરોડો પાડીને 30 કિલોની 56 બોરીઓ મળી કુલ 1,680 કિલો ચોખાનો જથ્થો જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા ચોખાની અંદાજિત કિંમત ₹97,440 હોવાનું જાણવા મળ્યું છે.
કંપનીની પરવાનગી વિના રજિસ્ટર્ડ બ્રાન્ડ અને કોપીરાઇટનો ઉપયોગ કરીને નકલી પેકિંગમાં ચોખાનું વેચાણ કરવાના મામલે પોલીસે સુરજ વિરેન્દ્રભાઈ અગ્રવાલ વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ, 1957ની કલમ 63 અને 64 હેઠળ ગુનો નોંધ્યો છે. નકલી થેલીઓ ક્યાં તૈયાર કરવામાં આવી હતી અને તેમાં કઈ ગુણવત્તાના ચોખા પેક કરવામાં આવતા હતા તે સહિતની બાબતો અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે