
ગીર સોમનાથ 31 ઓક્ટોબર (હિ.સ.) : આજે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧ મી જન્મ જયંતી છે. તેમની જન્મ જયંતિ સમગ્ર રાષ્ટ્ર 'એકતા દિવસ' તરીકે ઉજવી રહ્યું છે.
'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા સોમનાથ મંદિરના પટાંગણથી શંખ સર્કલ સુધી 'રન ફોર યુનિટી' નું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્ય સભાના સાંસદ માનસિંહભાઈ પરમાર ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ નરેશભાઈ ગોહેલ અને કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ ફ્લેગ ઓફ કરીને આ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.
સોમનાથ મંદિરના પટાંગણ થી શંખ સર્કલ સુધી અને પરત હમીરજી સર્કલ સુધીની બે કિલોમીટરની દોડ લગાવી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તથા નાગરિકોએ દેશની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો હતો.
ભારતના અખંડ શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી ગૌરવવંતી જન્મજ્યંતી નિમિત્તે સોમનાથ મંદિરના પટાંગણ ખાતેથી રાષ્ટ્રીય એકતાના શપથ અને ફ્લેગ ઓફના પ્રારંભ સાથે શરુ થયેલી એકતા દોડે 'એક રાષ્ટ્ર, શ્રેષ્ઠ રાષ્ટ્ર'ના સંદેશા સાથે રાષ્ટ્રભાવના અને એકતાનું અદભુત દર્શન કરાવ્યું હતું.
રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમારે એકતા દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ દેશના ૫૬૨ દેશી રજવાડાઓને એક કરીને એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું.
આવા મહાનુભાવની જન્મ જયંતીના અવસરે જિલ્લા વહીવટી તંત્રના સહકારથી પોલીસ તંત્ર દ્વારા આ એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત કરવાનો જે સંકલ્પ કર્યો છે. તેમાં આજના યુવાનોનું પણ યોગદાન રહે તે માટે આ દોડ ઉપયુક્ત બની રહેશે. 'એક ભારત, શ્રેષ્ઠ ભારત', 'એક રાષ્ટ્ર, શ્રેષ્ઠ રાષ્ટ્ર'ની ભાવના એકતા દોડ જેવા આયોજનોથી વધુ બળવત્તર બનશે તેમ તેમને જણાવ્યું હતું.
આ તકે જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાના સંદેશને જન-જન સુધી પહોંચાડવા તેમજ યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમ, સામાજિક સમરસતા અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને પ્રબળ બનાવવા માટે ‘રન ફોર યુનિટી’ નું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ આ તકે જણાવ્યું હતું કે, 'એક દોડ દેશ કે નામ' ના સૂત્રને સાર્થક કરતાં સોમનાથ પટાંગણ થી શંખ સર્કલ અને ત્યાંથી હમીરજી સર્કલ સુધી પરત ફરીને બે કિલોમીટરની એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે થઈ રહેલા એકતા દિવસની ઉજવણીની કડી સાથે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ દોડ માત્ર શારીરિક તંદુરસ્તી પૂરતી મર્યાદિત ન રહેતા દેશની એકતા, અખંડિતતા, ભાઈચારો અને રાષ્ટ્રીય ગૌરવ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક બની હતી.
આ દોડમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડો.બી.બી.ડાંગર, નાયબ પોલીસ અધિક્ષક સી.સી.ખટાણા, એમ.એફ.ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ, વેરાવળના નગરજનો અને પોલીસ જવાનો જોડાયા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ