
નવી દિલ્હી, 05 ઓક્ટોબર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ઉત્તર પ્રદેશમાં યોજાનારી રાજ્યસભા દ્વિવાર્ષિક ચૂંટણી માટે આઠ ઉમેદવારોના નામોને મંજૂરી આપી દીધી છે.
ભાજપના રાષ્ટ્રીય મુખ્યાલય પ્રભારી તરુણ ચુગે સોમવારે આ આઠ ઉમેદવારોના નામોની જાહેરાત કરી. જે આઠ નેતાઓને ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, તેમાં ધર્મપાલ સિંહ, રાધાકાંત ઓઝા, પ્રકાશ પાલ, વિદ્યાસાગર સોનકર, ગોપી કૃષ્ણ પાંડેય, પ્રિયંકા સિંહ રાવત, રામપ્રતાપ સિંહ ચૌહાણ અને શ્રુતિ ગંગવારનો સમાવેશ થાય છે.
ધર્મપાલ સિંહ હાલમાં ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી છે. પ્રકાશ પાલને તાજેતરમાં ભાજપે, પ્રદેશ ઓબીસી મોરચાના અધ્યક્ષ બનાવ્યા છે. પ્રિયંકા સિંહ રાવત બારાબંકીથી સાંસદ રહી ચૂક્યા છે અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ છે. રાધાકાંત ઓઝા હાઈ કોર્ટના વકીલ છે. વિદ્યાસાગર સોનકર એસસી સમાજમાંથી છે. તેઓ એકવાર લોકસભા સાંસદ રહી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં રાજ્યસભા દ્વિવાર્ષિક ચૂંટણી 2026 માટે નામાંકન પ્રક્રિયા 29 સપ્ટેમ્બરથી ચાલુ છે. ઉમેદવારો 6 ઓક્ટોબર સુધી નામાંકન દાખલ કરી શકશે. ત્યારબાદ 7 ઓક્ટોબરે નામાંકન પત્રોની ચકાસણી થશે, જ્યારે 9 ઓક્ટોબર સુધી ઉમેદવારો પોતાનું નામ પાછું ખેંચી શકશે.
રાજ્યસભા ચૂંટણી માટે 16 ઓક્ટોબરે મતદાન થશે. મતદાન સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી કરાવવામાં આવશે. મતદાન સમાપ્ત થયા પછી, તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ