
વોશિંગ્ટન (અમેરિકા), નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ.સ.). યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની બહુરાષ્ટ્રીય ટેકનોલોજી કંપની એનવીડિયાએ, ચીનની ગુપ્તચર પ્રવૃત્તિઓના નિશાન પર આવેલા તેના સહ-સ્થાપક અને સીઈઓ જેન્સેન હુઆંગ વિરુદ્ધ સ્વતંત્ર તપાસ શરૂ કરી છે. આ તપાસ તેમના એલિસ હુઆંગ નામની એક ચીની બિઝનેસ એક્ઝિક્યુટિવ સાથે સંકળાયેલા હોવાના આરોપો પછી સામે આવી છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે એલિસ હુઆંગ ચીનની મુખ્ય ગુપ્તચર એજન્સી 'મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ સિક્યુરિટી' માટે કામ કરતી હતી. એનવીડિયાની તપાસની જાહેરાત વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જેન્સેન હુઆંગને શ્રેષ્ઠ વ્યક્તિ ગણાવીને તેમનો બચાવ કર્યો છે.
સીબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસની એક બ્રીફિંગ દરમિયાન જેન્સેન હુઆંગને ખૂબ જ શ્રેષ્ઠ વ્યક્તિ ગણાવ્યા. તેમણે કહ્યું, એફબીઆઈ અન્ય કોઈ કેસના સંબંધમાં તેની તપાસ કરી રહી છે અને મને લાગે છે કે બધું બરાબર રહેશે. ટ્રમ્પે એ પણ જણાવ્યું કે તેમણે સોમવારે જેન્સેન હુઆંગ સાથે વાત કરીને તેમના ખબર-અંતર પૂછ્યા. તેમણે કહ્યું કે હુઆંગે જણાવ્યું કે તેમને બિલકુલ અંદાજ નહોતો કે જે મહિલાની વાત થઈ રહી છે, તે એક જાસૂસ છે.
હુઆંગ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં દિગ્ગજ માનવામાં આવે છે. તેમના પર એક શંકાસ્પદ ચીની મહિલા જાસૂસ સાથે સંબંધ રાખવાનો આરોપ લાગ્યો છે. ટ્રમ્પે હુઆંગને ખૂબ જ શ્રેષ્ઠ વ્યક્તિ ગણાવ્યા અને આશા વ્યક્ત કરી કે તેનાથી રાષ્ટ્રીય સુરક્ષાને કોઈ ખતરો પહોંચ્યો નહીં હોય. ટ્રમ્પે કહ્યું, જ્યારે મેં આ વિશે સાંભળ્યું, ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય થયું, કારણ કે હું તેમને એક ખૂબ જ શ્રેષ્ઠ વ્યક્તિ માનું છું અને તેમને લાંબા સમયથી ઓળખું છું. આ દુનિયાની સૌથી મોટી કંપનીઓમાંની એક છે—કદાચ વેલ્યુના હિસાબે સૌથી મોટી. તેમણે આ બધું એક ચિપ દ્વારા હાંસલ કર્યું છે.
ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, ટ્રમ્પે જણાવ્યું કે તેમણે પહેલા હુઆંગ સાથે વાત કરીને પૂછ્યું કે શું તેમને તે મહિલાના ચીની ગુપ્તચર એજન્સીઓ સાથે સંકળાયેલા હોવાની જાણકારી હતી. ટ્રમ્પે કહ્યું, તેમણે કહ્યું, 'મને બિલકુલ ખબર નહોતી કે તે એક જાસૂસ છે. મને તેમની વાત પર પૂરો ભરોસો છે. એનવીડિયાના ટેકનિકલ પ્રભુત્વનો ઉલ્લેખ કરતા, ટ્રમ્પે કહ્યું કે હુઆંગની એન્જિનિયરિંગ ઉપલબ્ધિઓ દુનિયાભરમાં અજોડ છે. રાષ્ટ્રપતિએ કહ્યું, તમે જુઓ, તેમની પાસે એક એવી ચિપ છે જે 10 વર્ષ આગળની ટેકનોલોજી છે. આ ચિપને કોઈ કોપી પણ કરી શકતું નથી. તે ખરેખર કમાલના વ્યક્તિ છે.
ચીની જાસૂસીના આ કથિત મામલાથી રાષ્ટ્રીય સુરક્ષા અને ગુપ્તચર તંત્ર પર પડનારા સંભવિત અસર વિશે પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું, મને નથી લાગતું કે કોઈ સમસ્યા છે. જો કોઈ સમસ્યા હશે તો અમે તમને જણાવીશું. રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમણે આ વિવાદ પર હુઆંગનું સાર્વજનિક નિવેદન જોયું છે. તેમણે આ વાત પર સહાનુભૂતિ વ્યક્ત કરી કે આ ઘટનાને કારણે હુઆંગને ગંભીર વ્યક્તિગત અને પારિવારિક તણાવનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રમ્પે કહ્યું, મને લાગે છે કે તે ખૂબ જ તકલીફમાં છે. મેં તેમનું નિવેદન વાંચ્યું છે અને મને ખાતરી છે કે તે ખૂબ જ પરેશાન છે. ખાસ કરીને તેમના પરિવારને કારણે. તેઓ પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરે છે.
ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, સોમવારે શેરધારકોએ હુઆંગ વિરુદ્ધ મુકદ્દમો દાખલ કર્યો છે. તેમનો આરોપ છે કે, કંપનીએ રોકાણકારો પાસેથી આ જાણકારી છુપાવી કે હુઆંગના એક એવી મહિલા સાથે સંબંધ હતા, જેના પર ચીન માટે જાસૂસી કરવાનો સંદેહ છે. અહેવાલ મુજબ, કેલિફોર્નિયાના સેન હોસમાં એક સંઘીય અદાલતમાં દાખલ કરાયેલા આ મુકદ્દમામાં આરોપ લગાવવામાં આવ્યો છે કે એનવીડિયા અને હુઆંગે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી તે ચિંતાઓનો ખુલાસો કર્યો નથી, જેનાથી કંપનીની શાખ અને કારોબારને નુકસાન પહોંચી શકતું હતું. કહેવાય છે કે હુઆંગે કર્મચારીઓ સમક્ષ સ્વીકાર્યું હતું કે તેમણે પોતાની પત્નીને દગો આપ્યો છે, પરંતુ તેમણે એલિસ હુઆંગ સાથેના તેમના કથિત સંબંધો પર કંઈ કહ્યું નથી. એલિસ હુઆંગ, સિંગાપોર સ્થિત ચિપ ખરીદનાર કંપની 'મેગાસ્પીડ'ના પૂર્વ એક્ઝિક્યુટિવ રહી ચૂક્યા છે.
ચીને સોમવારે તે આરોપોને ફગાવી દીધા કે, એનવીડિયાના સીઈઓ જેન્સેન હુઆંગને કોઈ ચીની ગુપ્તચર ઓપરેશન દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. ચીને આ આરોપોને પાયાવિહોણી અટકળો અને ચીનને બદનામ કરવાનો પ્રયાસ ગણાવ્યો.
ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને, એક સવાલના જવાબમાં આ વાત કહી. તેમને 'ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ'ના એક અહેવાલ વિશે પૂછવામાં આવ્યું હતું, જેમાં અમેરિકી ગુપ્તચર એજન્સીઓના હવાલાથી દાવો કરવામાં આવ્યો હતો કે, એનવીડિયાના સીઈઓ જેન્સેન હુઆંગની નજીકની એક ચીની મહિલા બીજિંગને ગુપ્તચર જાણકારી આપી રહી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ