
અંકારા (તુર્કિયે), નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ.સ.). પશ્ચિમી તુર્કિયેના એક સ્ટીલ પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા અને 13 અન્ય ઘાયલ થયા. ઘાયલોમાંથી બેની હાલત નાજુક છે. રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોઆને સોમવારે અહીં કેબિનેટ બેઠક પછી તરત જ તેની પુષ્ટિ કરી. રાષ્ટ્રપતિએ કહ્યું કે ઇઝમિરના આલિયાગા જિલ્લામાં થયેલા આ વિસ્ફોટના કારણો શોધવા અને તેના માટે જવાબદાર લોકોની ઓળખ કરવા માટે ન્યાયિક અને વહીવટી તપાસ શરૂ કરવામાં આવી છે.
તુર્કિયેના મુખ્ય સમાચાર ચેનલ 'ટીએનટી વર્લ્ડ'ના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ એર્દોઆને અંકારાના રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં કેબિનેટ બેઠક પછી કહ્યું, આ ઘટનાએ આખા દેશને ઊંડું દુઃખ પહોંચાડ્યું છે. તેના માટે જવાબદાર લોકોની પણ ઓળખ કરવામાં આવશે. ઇઝમિરના ગવર્નર સુલેમાન એલ્બાને જણાવ્યું કે આ વિસ્ફોટ સ્થાનિક સમય અનુસાર સવારે લગભગ 11:46 વાગ્યે (0846 જીએમટી) 'હબાસ આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટ'માં ભઠ્ઠી (ફર્નેસ) બદલતી વખતે થયો હતો. એલ્બાને જણાવ્યું કે એક સીલિંગ ક્રેન પડી ગઈ. આનાથી કેટલોક સામાન એક ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસમાં પડી ગયો. આના કારણે એક કુદરતી ગેસ લાઇન ક્ષતિગ્રસ્ત થઈ ગઈ અને વિસ્ફોટ થયો.
તેમણે શરૂઆતમાં 10 લોકોના મોત અને 15 લોકોના ઘાયલ થવાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, બચાવ અભિયાન ચાલુ છે અને કાટમાળ નીચે ચાર લોકો ફસાયેલા હોવાની આશંકા છે. એલ્બાન અનુસાર, ઘટના સમયે પ્લાન્ટમાં લગભગ 200 મજૂરો હાજર હતા. સામાન્ય ઉત્પાદન શિફ્ટ દરમિયાન અહીં 300થી વધુ મજૂરો કામ કરે છે. હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી અને કેસની ન્યાયિક અને વહીવટી તપાસ ચાલી રહી છે.
ઇઝમિર માં થયેલા વિસ્ફોટ પછી અઝરબૈજાને તુર્કિયે પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. અઝરબૈજાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, તેઓ આ ઘટનાથી ખૂબ દુઃખી છે. તેમણે શોકાતુર પરિવારો અને તેમના નજીકના સંબંધીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો. તેમણે એક્સ પર લખ્યું, પ્રિય રાષ્ટ્રપતિ, આ મુશ્કેલ ઘડીમાં મારી સંવેદનાઓ તુર્કિયે સાથે છે. નોંધનીય છે કે તુર્કિયેમાં આ દુર્ઘટના એવા સમયે થઈ છે, જ્યારે ભૂમધ્ય સાગરના કિનારે આવેલા અંતાલ્યામાં વિશ્વ નેતાઓ અને પર્યાવરણ કાર્યકરો આબોહવા પરિવર્તનને રોકવાના ઉપાયો પર વાતચીત કરવા માટે એકઠા થયા છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ