વાંસદામાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી
જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત યુવા સભાનું આયોજન; સાંસદ ધવલ પટેલે આદિવાસી સમાજના ઇતિહાસ, સંઘર્ષ અને વિકાસમાં યુવાનોની ભૂમિકા પર ભાર મૂક્યો
જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત યુવા સભાનું આયોજન; સાંસદ ધવલ પટેલ


નવસારી, 13 નવેમ્બર (હિ.સ.)-ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વાંસદા ખાતે સાંસદ ધવલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ભવ્ય યુવા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન, સાંસ્કૃતિક વારસો અને સમાજના સર્વાંગી વિકાસ અંગે યુવાનોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સાંસદ ધવલભાઈ પટેલે ભગવાન બિરસા મુંડાના જીવન અને સંઘર્ષને યાદ કરતાં જણાવ્યું હતું કે, 15 નવેમ્બર, 1875ના રોજ જન્મેલા બિરસા મુંડાએ અંગ્રેજ શાસન દરમિયાન આદિવાસી સમાજના હક, જમીન, અધિકારો અને અસ્મિતાના રક્ષણ માટે ઐતિહાસિક લડત આપી હતી. અંગ્રેજોની શોષણખોર નીતિઓ સામે તેમણે 'ઉલગુલાન' નામના જનઆંદોલનનું નેતૃત્વ કર્યું હતું. માત્ર 25 વર્ષની ઉંમરે તેમણે આદિવાસી સમાજમાં સ્વાભિમાન, એકતા અને આઝાદીની ભાવના જગાવી હતી. તેમનું જીવન અને બલિદાન આજે પણ દેશના યુવાનો માટે પ્રેરણારૂપ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર આદિવાસી સમાજના ઇતિહાસ, સંસ્કૃતિ અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના યોગદાનને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવા માટે પ્રયાસો કરી રહી છે. દેશભરમાં 12 જનજાતીય સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેના માધ્યમથી આદિવાસી મહાનાયકોના જીવન અને બલિદાનની ગાથા નવી પેઢી સુધી પહોંચશે.

આદિવાસી વિસ્તારોના વિકાસ અંગે સાંસદે જણાવ્યું હતું કે, શિક્ષણ અને માળખાકીય સુવિધાઓના વિકાસ માટે સરકાર સતત કાર્યરત છે. આદિવાસી યુવાનો શિક્ષણ, રોજગાર અને અન્ય ક્ષેત્રોમાં આગળ વધીને સમાજ તથા રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપે તે જરૂરી છે.

કાર્યક્રમના પ્રારંભે વાંસદા પ્રાયોજના વહીવટદાર કચેરીનાં મદદનીશ કમિશનર પી.ડી. મનાતે મહેમાનોનું સ્વાગત કરી જનજાતીય ગૌરવ સપ્તાહનું મહત્ત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે વાંસદા પ્રાંત અધિકારી ભાર્ગવ માહલા, તાલુકા પંચાયત પ્રમુખ, મામલતદાર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande