




પોરબંદર, 15 નવેમ્બર (હિ.સ.) : ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે તા. 15 નવેમ્બરના રોજ પોરબંદર મહાનગરપાલિકા કક્ષાનો ભવ્ય ‘જનજાતીય ગૌરવ દિવસ’ કાર્યક્રમ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ બિલ્ડિંગ સ્થિત બિરલા હોલ ખાતે યોજાયો હતો. પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતાં ડો. ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ જળ, જમીન અને જંગલના અધિકારોની રક્ષા માટે ઐતિહાસિક લડત આપી હતી. તેમનું જીવન, સંઘર્ષ અને બલિદાન માત્ર આદિવાસી સમાજ માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશના છેવાડાના અને શોષિત વર્ગના લોકો માટે પ્રેરણારૂપ છે. ભગવાન બિરસા મુંડાના વિચારો અને આદર્શોને જીવનમાં ઉતારી સમાજના વિકાસ તથા રાષ્ટ્રનિર્માણમાં સહભાગી બનવા તેમણે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદી, પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયા, મહાનગરપાલિકાના કમિશનર ટી.સી. તીરથાણી, ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, નાયબ કમિશનર કિશન બી. ગરસર, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ કપિલભાઈ કોટેચા તથા શહેર ભાજપ પ્રમુખ લક્કીરાજસિંહ વાળા, કોર્પોરેટર અને અધિકારીગણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં લાભાર્થીઓને આદિજાતિ પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એસ.સી. કેટેગરીના લાભાર્થીને મંજૂરીપત્ર એનાયત કરવામાં આવ્યું હતું, જ્યારે પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત એસ.સી. કેટેગરીના ચાર લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્વદેશી મેળામાં ભાગ લેનારા ચાર સ્ટોલધારકો અને સ્વસહાય જૂથોને તેમના કાર્યને પ્રોત્સાહન આપવા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ, લાભાર્થીઓ અને નાગરિકોએ સાથે મળીને સ્વરુચિ ભોજન લીધું હતું.
આમ, ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે પોરબંદર મહાનગરપાલિકા કક્ષાએ યોજાયેલો ‘જનજાતીય ગૌરવ દિવસ’ કાર્યક્રમ રાષ્ટ્રનાયકોના જીવનમૂલ્યોને યાદ કરવા, જનજાતીય સમાજના ગૌરવશાળી ઇતિહાસને ઉજાગર કરવા તથા સરકારની લોકકલ્યાણકારી યોજનાઓના લાભો લોકો સુધી પહોંચાડવાના હેતુ સાથે સંપન્ન થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya