
આડેસર પોલીસની વાહન ચેકિંગ દરમિયાન મોટી કાર્યવાહી, પશુઓના લીલા ચારાની પાછળ છુપાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ જવાતો હતો; પીકઅપ ચાલક સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો
કચ્છ, 17 નવેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરીને અટકાવવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત આડેસર પોલીસને મોટી સફળતા મળી છે. આડેસર પોલીસ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન લીલા ચારાની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લઈ જતી મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડીને ઝડપી પાડવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહીમાં દારૂની 5,388 બોટલ અને ટીન સહિત વાહન મળી કુલ રૂ. 14,69,272નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, પૂર્વ કચ્છ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક એ.વી. રાજગોર દ્વારા પોલીસ તંત્રને અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસ દ્વારા ચેકપોસ્ટ પર વાહનોની તપાસ કરવામાં આવી રહી હતી.
દરમિયાન મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ ગાડી નંબર GJ-01-KT-1922 શંકાસ્પદ જણાતાં પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. વાહનના પાછળના ભાગમાં લીલો ઘાસચારો ભરેલો હોવાનું દેખાતું હતું, પરંતુ ઝીણવટભરી તપાસ કરતાં તેની આડમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તાત્કાલિક દારૂનો જથ્થો બહાર કાઢી ગણતરી કરતાં કુલ 5,388 બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા.
કબજે કરાયેલા જથ્થામાં સિગ્નેચર રેર, ગ્રીન લેબલ, બ્લેન્ડર પ્રાઇડ, ઓફિસર ચોઇસ, ટ્યુબર્ગ, કિંગફિશર, ઓલ સિઝન, રોયલ ચેલેન્જર, વ્હાઇટ લેસ વોડકા સહિતની વિવિધ બ્રાન્ડનો દારૂ અને બિયરનો સમાવેશ થાય છે. દારૂના જથ્થાની કિંમત તથા અન્ય મુદ્દામાલ સાથે બોલેરો પીકઅપ ગાડીની કિંમત મળી કુલ રૂ. 14,69,272નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ મામલે પીકઅપના ચાલક તથા તપાસમાં જેની સંડોવણી બહાર આવે તેની સામે આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.વી. ગાગીયા તથા આડેસર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. લીલા ચારાની આડમાં દારૂની હેરાફેરી કરવાના પ્રયાસનો પર્દાફાશ થતાં ગેરકાયદેસર દારૂના વેપાર સાથે સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar