
ફ્રોન્ક્સ કાર અને બાઈકનો દારૂની હેરાફેરીમાં ઉપયોગ થતો હોવાની આશંકા, ભારતીય બનાવટની વિદેશી દારૂની 528 બોટલ સહિત બિયરનાં ટીન કબજે
કચ્છ, 17 નવેમ્બર (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં દારૂના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરી સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત એ-ડિવિઝન પોલીસને મહત્વની સફળતા મળી છે. શહેરના શક્તિનગર વિસ્તારમાં ખાનગી બાતમીના આધારે દરોડા જેવી કાર્યવાહી કરી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા દારૂ ઉપરાંત બે વાહનો અને ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂ.6,62,440નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા પોલીસ તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડે સર્વેલન્સ સ્ટાફને અસરકારક પેટ્રોલિંગ અને ગુનાખોરીને લગતી બાતમીઓના આધારે કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું.
દરમિયાન સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ખાનગી બાતમીના આધારે શક્તિનગર વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવતાં પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા શખ્સોમાં સપનાનગરના રહેવાસી જીતેન્દ્ર પરષોત્તમભાઈ ભાટીયા (ઉ.વ.40), ભટ્ટનગરના અશોક પરષોત્તમભાઈ ભાટીયા (ઉ.વ.43) અને નવી સુંદરપુરીના જીગર રાયશીભાઈ પાતરીયા (ઉ.વ.31)નો સમાવેશ થાય છે.
પોલીસે સ્થળ પરથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની 180 એમએલની કંપની સીલબંધ 528 બોટલ, જેની કિંમત રૂ.1,08,960 થાય છે, તેમજ 500 એમએલના વિદેશી બિયરના 24 સીલબંધ ટીન કિંમત રૂ.3,480 કબજે કર્યા હતા. આ ઉપરાંત રૂ.5 લાખની મારુતિ સુઝુકી ફ્રોન્ક્સ કાર, રૂ.20 હજારની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ અને રૂ.30 હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.
આમ, દારૂ અને અન્ય વાહનો સહિત કુલ રૂ.6,62,440નો મુદ્દામાલ પોલીસના હાથે લાગ્યો છે. સમગ્ર કાર્યવાહી ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને દારૂના જથ્થાના સ્ત્રોત તથા તેની હેરાફેરીમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar