પોરબંદરમાં ગુરુનાનક દેવજીની 557મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાશે
પોરબંદર , 17 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલા શ્રી ગુરુનાનક મંદિર દ્વારા શીખ ધર્મના સ્થાપક ગુરુનાનક દેવજીની 557 જન્મજયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર અને રાણાવાવના સમગ
પોરબંદરમાં ગુરુનાનક દેવજીની 557મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાશે


પોરબંદર , 17 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલા શ્રી ગુરુનાનક મંદિર દ્વારા શીખ ધર્મના સ્થાપક ગુરુનાનક દેવજીની 557 જન્મજયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર અને રાણાવાવના સમગ્ર સિંધિ સમાજના સહયોગથી તા. 24 નવેમ્બર સુધી આઠ દિવસીય ધાર્મિક ઉત્સવભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવશે. મંદિરના ગાદીપતિ દિનેશકુમાર ઇન્દ્રલાલ અમલાણી અને હરિષિકા દિનેશકુમાર અમલાણી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આઠ દિવસ દરમિયાન દરરોજ વહેલી સવારે પાંચ વાગ્યે પરંપરા અનુસાર પોરબંદરના વિવિધ વિસ્તારોમાં વાહેગુરુજીની ધૂન, ભજન-કીર્તન સાથે પ્રભાતફેરી નીકળશે. પ્રભાતફેરીનું પોરબંદર સિંધિ સમાજના પરિવારો દ્વારા પુષ્પમાળાઓ અને પુષ્પવર્ષા સાથે સ્વાગત કરવામાં આવશે.શ્રી ગુરુનાનક મંદિર ખાતે દરરોજ સવારે નવ વાગ્યે ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવશે. જેમાં સંતવાણી, ગુરુવાણી, હુકમનામું અને અરદાસ સાથે દરરોજ બપોરે પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. સવારે 10 વાગ્યે શ્રી ગુરુગ્રંથ સાહેબજીના પાઠનો શુભારંભ કરવામાં આવશે.તા. 24 નવેમ્બરના મંગળવારે ગુરુનાનક દેવજીની જન્મજયંતિ નિમિત્તે સવારે નવ વાગ્યે ભવ્ય શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રામાં પંજરા, રથ અને વિવિધ ધાર્મિક ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે.પોરબંદર અને રાણાવાવના સિંધિ સમાજના ભાઈ-બહેનો ઉત્સાહભેર જોડાશે. શહેરના વિવિધ રસ્તાઓ પરથી પસાર થતી શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવશે અને બપોરે એક વાગ્યે શોભાયાત્રા ગુરુનાનક મંદિર ખાતે પૂર્ણ થશે. આ ઉપરાંત સિંધિ સમાજના ભાઈઓ-બહેનો માટે સાધુ સંગત અને લંગર પ્રસાદી ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તા. 24 નવેમ્બરના રોજ સાંજે પાંચ વાગ્યે ગુરુનાનક મંદિર ખાતે શ્રીગુરુગ્રંથ સાહેબજીના પાઠની પૂર્ણાહુતિ થશે. રાત્રે 12:20 વાગ્યે ગુરુનાનકદેવજીના જન્મ સમયે વિશેષ ધાર્મિક કાર્યક્રમો, હિંડોળા ઝુલાવણ, કેક કટિંગ, ભજન-કીર્તન અને દીપમાળાઓ સાથે જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી વાહેગુરુ સેવા સમિતિ તેમજ પોરબંદર અને રાણાવાવના સિંધિ સમાજના સેવાભાવી કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. આ તમામ ધાર્મિક કાર્યક્રમોમાં પોરબંદર અને રાણાવાવના સિંધિ સમાજના પરિવારોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande