બાંગ્લાદેશમાં રાતભર હિંસા, સાંસદનું ઘર, પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશન, વાહનો ફૂંકાયા, પોલીસ લોકઅપમાં બંધ લોકોને છોડાવ્યા, કૃષક દળના નેતાની હત્યા
ઢાકા (બાંગ્લાદેશ), નવી દિલ્હી, 18 નવેમ્બર. બાંગ્લાદેશ અવામી લીગ (બીએએલ) ના નેતા અને પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાની ડિસેમ્બરમાં સ્વદેશ વાપસી કરવાની જાહેરાતથી મચેલી રાજકીય હલચલ વચ્ચે દેશમાં ઝડપથી અરાજકતા ફેલાઈ રહી છે. દેશના ઘણા ભાગોમાં હિંસા અટકવાનું
બાંગ્લાદેશમાં રાતભર હિંસા, સાંસદનું ઘર, પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશન, વાહનો ફૂંકાયા


ઢાકા (બાંગ્લાદેશ), નવી દિલ્હી, 18 નવેમ્બર. બાંગ્લાદેશ અવામી લીગ (બીએએલ) ના નેતા અને પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાની ડિસેમ્બરમાં સ્વદેશ વાપસી કરવાની જાહેરાતથી મચેલી રાજકીય હલચલ વચ્ચે દેશમાં ઝડપથી અરાજકતા ફેલાઈ રહી છે. દેશના ઘણા ભાગોમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. ભીડ પોલીસ સ્ટેશનો સુધી આગ લગાવવા પર ઉતરી આવી છે. નેતાઓના ઘરોને ફૂંકવામાં આવી રહ્યા છે. સરકારી વાહનો પર પેટ્રોલ છાંટીને આગને હવાલે કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, અટકાયતમાં લેવામાં આવેલા લોકોને પોલીસ લોકઅપમાંથી બળજબરીપૂર્વક છોડાવવામાં આવી રહ્યા છે.

ધ ડેઈલી સ્ટાર અને ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, ઘણી જગ્યાએ હિંસા થઈ છે. ગોપાલગંજમાં સ્થિતિ સૌથી વધુ ખરાબ થઈ ગઈ છે. અવામી લીગના કાર્યકરોએ સાંસદના ઘર, પોલીસ સ્ટેશન અને પોલીસની ગાડીઓને ફૂંકી દીધી છે. અટકાયતમાં લેવામાં આવેલા લોકોને છોડાવી ગયા છે. હિંસામાં કૃષક દળના એક નેતાએ જીવ ગુમાવ્યો છે. તુંગીપાડામાં રાત્રે અશાંતિ વચ્ચે તોફાનીઓએ ગોપાલગંજ-તુંગીપાડા રોડ પર, નિલફા બજાર પાસે ઘણી ગાડીઓને આગને હવાલે કરી દીધી. રાત્રે લગભગ 9:00 વાગ્યે ચાર ગાડીઓને સળગાવવામાં આવી. જેમાં બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી) ની બે ગાડીઓ પણ સામેલ છે.

અહેવાલ મુજબ, ગોપાલગંજના તુંગીપાડા ઉપજિલ્લામાં સત્તારૂઢ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) ના સાંસદ એસએમ જિલાનીના ઘર અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આગ લગાવી દેવામાં આવી. ફરીદપુરના ભાંગા ઉપજિલ્લામાં રાત્રે અવામી લીગના સમર્થનમાં કાઢવામાં આવેલા એક સરઘસ દરમિયાન થયેલી હિંસામાં બીએનપીના કૃષક દળના એક નેતાની હત્યા કરી દેવામાં આવી. તુંગીપાડા ઉપજિલ્લાના વહીવટી અધિકારી (કાર્યકારી અધિકારી) મોહમ્મદ દીદારુલ આલમે પુષ્ટિ કરી કે પટગાતી બજાર વિસ્તારમાં જિલાનીના ઘરમાં આગ લગાવી દેવામાં આવી છે. આ ઘટના રાત્રે 8:30 થી 9:00 વાગ્યાની વચ્ચે બની હતી. આ સિવાય આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં લોકોને જય બાંગ્લા, જય બંગબંધુ અને જય હસીના ના નારા લગાવતા જોઈ શકાય છે.

આ હુમલો ત્યારે થયો, જ્યારે અવામી લીગ અને તેની સાથે જોડાયેલા પ્રતિબંધિત સંગઠનોના કથિત સમર્થકોએ તુંગીપાડા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. આ ઘટના પક્ષના ઘણા નેતાઓ અને કાર્યકરોની ધરપકડ બાદ બની હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મસ્જિદના લાઉડસ્પીકર પર જાહેરાત થયા બાદ પક્ષના સમર્થકો પોલીસ સ્ટેશનની બહાર એકઠા થઈ ગયા અને પરિસરને ઘેરી લીધું. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં પ્રદર્શનકારીઓને અવામી લીગના સમર્થનમાં નારા લગાવતા જોવામાં આવ્યા. પોલીસે સાઉન્ડ ગ્રેનેડ, અશ્રુ ગેસ અને રબરની ગોળીઓનો ઉપયોગ કરીને ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો. તેનાથી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. બંને પક્ષો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, એવી સ્થિતિ સર્જાઈ કે પોલીસકર્મીઓ પોલીસ સ્ટેશનથી પાછળ હટી ગયા. ત્યારબાદ પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશનમાં આગ લગાવી દીધી અને પોલીસ લોકઅપમાં બંધ પ્રતિબંધિત છાત્ર લીગના સમર્થકોને છોડાવીને પોતાની સાથે લઈ ગયા. આસપાસના લોકોએ જણાવ્યું કે, પ્રદર્શનકારીઓએ નિલફા બજાર પાસે ગોપાલગંજ-તુંગીપાડા રોડને અવરોધિત કરી દીધો, જેથી ફાયર બ્રિગેડની ગાડી પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકી નહીં. તુંગીપાડા ફાયર સર્વિસના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, સુરક્ષા સંબંધી ચિંતાઓને કારણે તેઓ તરત જ પોલીસ સ્ટેશન પહોંચી શક્યા નહીં. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ઘણા વીડિયોમાં લોકોને જય બાંગ્લા, જય બંગબંધુ અને જય હસીના ના નારા લગાવતા જોઈ શકાય છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કૃષક દળના ભાંગા ઉપજિલ્લા એકમના સંયુક્ત સચિવ 34 વર્ષીય રાજુ મોલ્લાનું એક દેશી બોમ્બ વિસ્ફોટમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ મૃત્યુ થયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, રાત્રે લગભગ 9:15 વાગ્યે ઢાકા-બારીસાલ હાઈવે પર હમીરદી બસ સ્ટેન્ડથી અવામી લીગના સમર્થકોનું એક સરઘસ નીકળ્યું. સરઘસમાં સામેલ લોકોએ બીએનપીની એક ઓફિસમાં પણ તોડફોડ કરી. આ દરમિયાન, રાજુની પાસે એક દેશી બોમ્બ ફાટ્યો. તેમને તાત્કાલિક ભાંગા ઉપજિલ્લા આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. ભાંગા ઉપજિલ્લા બીએનપી પ્રમુખ ખાંડેકર ઈકબાલ હુસૈન સલીમે આરોપ લગાવ્યો કે અવામી લીગના કાર્યકરોએ રાજુને એકલા જોઈને તેમની હત્યા કરી દીધી.

વધારાના પોલીસ અધિક્ષક મો. રેહાન ગફૂરે કહ્યું કે, પોલીસ અત્યારે મૃત્યુના કારણની પુષ્ટિ કરી શકતી નથી. વિપક્ષના નેતા અને જમાત અમીર શફીકુર રહેમાને ગઈકાલે સંસદમાં ગોપાલગંજની બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. ફેસબુક લાઈવ પ્રસારણમાં એચએમ રુબેલ ફરાજી નામના એક વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં આગ લગાવવાની ધમકી આપતા સાંભળવામાં આવ્યો. આ ફૂટેજની સત્યતા અને સંપૂર્ણ સંજોગોની તરત જ સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી. પોલીસ મુખ્યાલયના પ્રવક્તા કમરમ મુનીરાએ રાત્રે લગભગ 9:10 વાગ્યે પુષ્ટિ કરી કે તુંગીપાડા પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો અને તેમાં આગ લગાવી દેવામાં આવી. તેમણે જણાવ્યું કે પોલીસને વાહનોમાં આગ લગાવવાની પણ માહિતી મળી છે.

આ પહેલા પોલીસ મુખ્યાલયના ડીઆઈજી (ગુના અને કામગીરી) મોહમ્મદ અબુ સુફિયાને કહ્યું કે, પોલીસ સ્ટેશનને ઘેરી લેવાની માહિતી મળ્યા બાદ અધિકારીઓ વિગતો એકઠી કરી રહ્યા છે. તુંગીપાડા ફાયર સર્વિસના કાર્યકારી સ્ટેશન અધિકારી એસ્કંદર શેખે જણાવ્યું કે ફાયર ફાઈટરોને પોલીસ સ્ટેશન, ચૌરાંગી ચોક અને બશબારિયા પાસે આગ લાગવાની માહિતી મળી. જોકે, સુરક્ષાના કારણોસર ફાયર ફાઈટરો અસરગ્રસ્ત સ્થળો સુધી પહોંચી શક્યા નથી. તેમણે કહ્યું કે સુરક્ષા પૂરી પાડવામાં આવ્યા પછી જ ફાયર ફાઈટરો ત્યાં જઈ શકશે. અવામી લીગના સમર્થકોએ ગોપાલગંજ અને તુંગીપાડાને જોડતા રસ્તાઓ પર ખલેક બજાર, પટગાતી ચોક, બર્ની અને અન્ય જગ્યાએ આડશ લગાવી દીધી છે.

હિંસા બાદ અશાંત વિસ્તારમાં વધારાના સુરક્ષા દળોને મોકલવામાં આવ્યા છે. જિલ્લાના ડેપ્યુટી કમિશનર, પોલીસ અધિક્ષક અને ત્રણ પોલીસ સ્ટેશનના પ્રભારીઓની બદલી કરી દેવામાં આવી છે. બીજી તરફ, રાત્રે રાજધાની ઢાકામાં રામપુરા પોલીસ બોક્સની સામે રાયદા પરિવહનની એક બસમાં આગ લગાવી દેવામાં આવી. રામપુરા પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારી જહાંગીર આલમે પુષ્ટિ કરી કે આ ઘટના રાત્રે લગભગ 11:15 વાગ્યે બની હતી. પોલીસે જણાવ્યું કે તોફાનીઓએ નેટ્રોકોનાના બરહાટ્ટા ઉપજિલ્લામાં સ્થિત બંધ ઓતિથપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર પેટ્રોલ અથવા અન્ય કોઈ જ્વલનશીલ પદાર્થ નાખીને આગ લગાવી દીધી. મોહનગંજ રેલવે સ્ટેશનના સ્ટેશન મેનેજર ઝહિરુલ ઈસ્લામે પણ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે તેનાથી ટ્રેન સેવાઓ પર કોઈ અસર પડશે નહીં.

રેલવે એન્જિનિયરિંગ વિભાગના કર્મચારી અને બરહાટ્ટા પોલીસ પાસેથી મળેલી માહિતીના આધારે સ્પષ્ટ થયું કે તોફાનીઓએ ફાટેલી ગુણીઓ પર પેટ્રોલ નાખ્યું, પ્લેટફોર્મના ભોંયતળિયા અને થાંભલાઓમાં આગ લગાવી. ઘટનાનો વીડિયો બનાવ્યો અને પછી ત્યાંથી ભાગી ગયા. આ પહેલા, બરહાટ્ટા ઉપજિલ્લાના પાટલી અને નેટ્રોકોના સદર ઉપજિલ્લાના ચલિશામાં પણ રેલવે ટ્રેક પર આગ લગાવવાની ઘટનાઓ બની ચૂકી છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande