પાટણ : અર્ધકુંભ મેળા-2027 પહેલાં ભાવનગર-હરિદ્વાર ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર કરવાની માંગ
પાટણ, 18 નવેમ્બર (હિ.સ.) : પાટણની જય કિસાન સંઘ સંસ્થાએ ભાવનગર-હરિદ્વાર-ભાવનગર ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રાલયને લેખિત રજૂઆત કરી છે. સંસ્થાના પ્રતિનિધિ જયપ્રકાશ એમ. પટેલે માંગ કરી છે કે ભાવનગરથી હરિદ્વાર જત
અર્ધકુંભ મેળા-2027 પહેલાં ભાવનગર-હરિદ્વાર ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર કરવાની માંગ


પાટણ, 18 નવેમ્બર (હિ.સ.) : પાટણની જય કિસાન સંઘ સંસ્થાએ ભાવનગર-હરિદ્વાર-ભાવનગર ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રાલયને લેખિત રજૂઆત કરી છે. સંસ્થાના પ્રતિનિધિ જયપ્રકાશ એમ. પટેલે માંગ કરી છે કે ભાવનગરથી હરિદ્વાર જતી ટ્રેન સવારે 10 વાગ્યા પછી પહોંચે અને પરત ફરતી ટ્રેન બપોરે 12 વાગ્યા પછી હરિદ્વારથી ઉપડે. અર્ધકુંભ મેળો-2027 દરમિયાન દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ હરિદ્વાર આવવાના હોવાથી ગુજરાતના યાત્રાળુઓની સુવિધા માટે સમયપત્રકમાં ફેરફાર જરૂરી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

હાલમાં ભાવનગરથી ઉપડતી ટ્રેન આશરે વહેલી સવારે 3:40 વાગ્યે હરિદ્વાર પહોંચે છે. આ સમયે હોટલ અને ધર્મશાળાઓમાં ચેક-ઇનનો સમય ન હોવાથી મુસાફરોને રહેવા માટે રૂમ મળતા નથી. પરિણામે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાંથી આવતા વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને બાળકોને કલાકો સુધી રેલવે સ્ટેશન પર રાહ જોવી પડે છે. વહેલી સવારે શૌચક્રિયા, સ્નાન અને સ્થાનિક વાહનવ્યવહાર જેવી પ્રાથમિક સુવિધાઓ મેળવવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

બીજી તરફ, હરિદ્વારથી પરત ફરતી ટ્રેન વહેલી સવારે ઉપડતી હોવાથી યાત્રાળુઓએ રાત્રે જ હોટલ કે ધર્મશાળા ખાલી કરીને સામાન સાથે સ્ટેશન પહોંચવું પડે છે. જેના કારણે તેમને સવારનો નિત્યક્રમ પૂર્ણ કરવા ઉપરાંત ગંગા આરતી, દર્શન અને ખરીદી માટે પૂરતો સમય મળતો નથી. આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સંસ્થાએ ટ્રેનના આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવાની માંગ કરી છે. રજૂઆતની નકલ કેન્દ્રીય રેલવે મંત્રી, રેલવે રાજ્યમંત્રી, રેલવે બોર્ડના ચેરમેન, પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર તથા ભાવનગર ડિવિઝનલ રેલવે મેનેજરને પણ મોકલવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande