
- ઐતિહાસિક રેલવે વારસો, સ્થાનિક સંસ્કૃતિ અને રેલવેની ગૌરવશાળી યાત્રાનું કરાયું પ્રદર્શન.
જૂનાગઢ, 18 નવેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા રેલવે બોર્ડની માર્ગદર્શિકા અનુસાર 18 નવેમ્બર 2026ના રોજ પ્રાચી રોડ રેલવે સ્ટેશન પર “સ્ટેશન મહોત્સવ – Birthday Celebration of Historic/Heritage Railway Station”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ પ્રાચી રોડ રેલવે સ્ટેશનના ઐતિહાસિક રેલવે વારસા અને સ્થાનિક સંસ્કૃતિને પ્રદર્શિત કરીને નવી પેઢીને ભારતીય રેલવેના ગૌરવશાળી ઇતિહાસથી પરિચિત કરાવવાનો હતો.
આ કાર્યક્રમનું આયોજન મંડળ રેલવે મેનેજર, ભાવનગર દિનેશ વર્માના માર્ગદર્શન અને વરિષ્ઠ મંડળ યાંત્રિક ઇજનેર, ભાવનગર મંડળ સંતોષ કુમાર મિશ્રાના નિર્દેશન હેઠળ કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક, ભાવનગર અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે સ્ટેશન મહોત્સવ પ્રાચી રોડ રેલવે સ્ટેશનના ઐતિહાસિક રેલવે વારસાને સંરક્ષિત કરવા અને સામાન્ય જનતાને તેની સાથે જોડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે.
મહોત્સવ દરમિયાન ઐતિહાસિક ફોટો પ્રદર્શન, વિન્ટેજ પ્રદર્શનો, ફ્લેગ માર્ચ અને હિલિયમ બલૂન ઉડાડવા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવેની જૂની મીટરગેજ વ્યવસ્થા અને સૌરાષ્ટ્રના રેલવે વારસા સંબંધિત માહિતી પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ચિત્ર સ્પર્ધા, શેરી નાટક અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓ તથા સ્થાનિક નાગરિકોને રેલવે વારસો, સ્વચ્છતા, સુરક્ષિત મુસાફરી અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા. ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે “સ્ટેશન મહોત્સવ” ઓગસ્ટથી નવેમ્બર 2026 દરમિયાન 100 વર્ષ કે તેથી વધુ જૂનાં ઐતિહાસિક અને વિરાસત ધરાવતા રેલવે સ્ટેશનો પર આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમો દ્વારા ભારતીય રેલવેના સમૃદ્ધ વારસાને સંરક્ષિત અને પ્રદર્શિત કરવા તેમજ નવી પેઢીને રેલવેના ઐતિહાસિક વિકાસ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ