
પાટણ, 19 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકફાળાથી 13 ગામોમાં અંદાજે રૂ. 3 લાખના ખર્ચે 28 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. બનાસકાંઠા રેન્જના IG ચિરાગ કોરડીયા અને જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈના માર્ગદર્શન હેઠળ PI એન.જે. પંચાલના પ્રયાસોથી આ પહેલ હાથ ધરાઈ છે.
પોલીસના જણાવ્યા મુજબ, CCTV કેમેરાથી મિલકત સંબંધિત ગુનાઓ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં તેમજ આરોપીઓને શોધવામાં મદદ મળશે. આ અભિયાનમાં સહયોગ આપનારા ગામના આગેવાનો અને દાતાઓનું સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત સાંતલપુર તાલુકામાંથી ચોરી થયેલી ત્રણ ભેંસ અને એક પાડો શોધી તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. રાધનપુર DYSP કુણાલસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ સાંતલપુર અને વારાહી પોલીસની ટીમે આ કામગીરી કરી હતી.
કાર્યક્રમમાં હાજર રાધનપુરના ધારાસભ્યએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. લાંબા સમયથી પશુચોરીની સમસ્યાનો સામનો કરી રહેલા પશુપાલકોને પશુઓ પરત મળતાં રાહત થઈ હોવાનું જણાવી પોલીસ વિભાગનો આભાર માન્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ