
ગાંધીનગર, 19 નવેમ્બર (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મહાનગરપાલિકા હસ્તકની મિલકતોના બાકી ભાડાની વસુલાત માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત તાજેતરમાં સેક્ટર-૧૭ અને સેક્ટર-૨૨ ખાતે આવેલી માઈક્રોશોપિંગના બાકીદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં લાંબા સમયથી ભાડું ન ભરતા ૦૯ માઈક્રોશોપિંગ એકમોને સીલ મારી દેવામાં આવ્યા છે અને સ્થળ પર જ કુલ રૂ. ૧૬,૧૫,૩૬૨/- ની માતબર રકમના ભાડાની વસુલાત કરવામાં આવી છે.
મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં આવેલી વિવિધ માઈક્રોશોપિંગ, કેબીનો, ઓટલા અને ત્રિકોણીયા પ્લોટ જેવી મિલકતોનું નિયમિત ભાડું વસુલવાની કામગીરી કરવામાં આવે છે. અગાઉ સેક્ટર-૧૭ અને ૨૨ ખાતેના કુલ ૩૧ જેટલા માઈક્રોશોપિંગ ધારકોને બાકી રહેલા ભાડાની રકમ તાત્કાલિક ભરપાઈ કરવા માટે તંત્ર દ્વારા નોટીસ પાઠવવામાં આવી હતી. નોટીસ આપવા છતાં નિયત સમયમર્યાદામાં ભાડાની રકમ જમા ન કરાવનાર બાકીદારો સામે એસ્ટેટ શાખાની ટીમે કડક વલણ અપનાવીને સીલિંગની કાર્યવાહી પૂર્ણ કરી હતી.
ગાંધીનગર શહેરના અન્ય સેક્ટરોમાં પણ આવેલી માઈક્રોશોપિંગ, ઓટલા, કેબીનો અને ત્રિકોણીયા પ્લોટ સહિતની તમામ મિલકતોના જે ધારકો દ્વારા ભાડું બાકી રાખવામાં આવ્યું છે, તેમની સામે આગામી દિવસોમાં આ જ પ્રકારે મિલકત સીલ કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આથી, તમામ બાકીદાર મિલકત ધારકોને કોઈપણ પ્રકારની કાયદેસરની કે સીલિંગની કાર્યવાહીથી બચવા માટે પોતાનું બાકી ભાડું તાત્કાલિક ધોરણે મહાનગરપાલિકામાં જમા કરાવી દેવા અનુરોધ કરવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ