



કચ્છના ખાવડા વિસ્તારમાં ખનિજ વહન કરતા વાહનોની આકસ્મિક તપાસમાં મોટો ખુલાસો; પાંચ વાહનોમાં પાસ કરતાં વધુ જથ્થો મળ્યો, એક વાહન પુરાવાના અભાવે જપ્ત કરાયું
કચ્છ, 19 નવેમ્બર (હિ.સ.) : કચ્છના ખાવડા વિસ્તારમાં ખનિજના ગેરકાયદેસર વહન અને રોયલ્ટી નિયમોના ભંગ સામે ખાણ અને ખનિજ વિભાગે કાર્યવાહી તેજ કરતાં ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા કુલ છ વાહનોને ઝડપી પાડવામાં આવ્યાં છે. આ વાહનોમાં વહન કરવામાં આવતા ખનિજ સહિતના કુલ મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. 3 કરોડ જેટલી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે વિભાગ દ્વારા કાયદાકીય જોગવાઈઓ મુજબ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવાસિયાના માર્ગદર્શન હેઠળ અને ભૂસ્તરશાસ્ત્રી ડી.એસ. બારિયાના નેતૃત્વમાં ખાણ અને ખનિજ વિભાગની ટીમ દ્વારા ખાવડા વિસ્તારમાં ખનિજના ખનન, પરિવહન અને સંગ્રહની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન શંકાસ્પદ વાહનોની તપાસ કરતાં નિયમભંગના અલગ-અલગ કિસ્સાઓ સામે આવ્યા હતા.
તપાસમાં પકડાયેલા છ વાહનો પૈકી પાંચ વાહનોમાં લાઇમસ્ટોન અને સેન્ડસ્ટોનનું પરિવહન કરવામાં આવતું હતું. વાહનોમાં ભરેલા ખનિજના જથ્થાની રોયલ્ટી પાસ સાથે સરખામણી કરતાં પાસમાં દર્શાવેલા પ્રમાણ કરતાં વધારે જથ્થો મળી આવ્યો હતો. આથી સંબંધિત વાહનો સામે નિયમો અનુસાર દંડની વસૂલાત માટેની કાર્યવાહી કરવામાં આવી હતી.
બીજી તરફ GJ12CT8074 નંબરના વાહનમાં સાદી રેતી ભરેલી હોવાનું તપાસ દરમિયાન જણાયું હતું. જોકે વાહનના ચાલક કે માલિક દ્વારા આ ખનિજના પરિવહન માટે જરૂરી રોયલ્ટી પાસ અથવા અન્ય માન્ય દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નહોતા. પરિણામે વિભાગે વાહનને જપ્ત કરીને તેમાં ભરેલા ખનિજ સહિતનો મુદ્દામાલ ખાવડાની એ.કે. લોજિસ્ટિક ખાતે રાખ્યો છે.
વિભાગની કાર્યવાહી હેઠળ GJ12CT8074, GJ12BZ9042, NL06AA5488, GJ12CT8233, GJ12BZ6596 અને GJ12CT7974 નંબરનાં વાહનોનો સમાવેશ થાય છે.
આ સમગ્ર કાર્યવાહીથી ખનિજ પરિવહનના નિયમોનું પાલન નહીં કરનારાઓને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. ભૂસ્તરશાસ્ત્રીની કચેરી, કચ્છ-ભુજ દ્વારા આગામી દિવસોમાં પણ આકસ્મિક તપાસ ચાલુ રાખી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar