જામનગર એર ફોર્સ સ્ટેશન ખાતે, બહુરાષ્ટ્રીય આપત્તિ રાહત કવાયત 'સહાયતા સેતુ 2026'નું સફળ સમાપન
જમીન, હવા અને દરિયાઈ ક્ષેત્રોમાં સંકલિત આપત્તિ પ્રતિભાવ ક્ષમતાઓનું પ્રદર્શન; ક્વાડ (QUAD) વર્કિંગ ગ્રુપની બેઠક પણ યોજાઈ જામનગર, 19 નવેમ્બર (હિ.સ.) : ભારતીય વાયુસેના દ્વારા હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (HQ IDS) અને સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ
એર ફોર્સ સ્ટેશન ખાતે બહુરાષ્ટ્રીય આપત્તિ રાહત કવાયત


જમીન, હવા અને દરિયાઈ ક્ષેત્રોમાં સંકલિત આપત્તિ પ્રતિભાવ ક્ષમતાઓનું પ્રદર્શન; ક્વાડ (QUAD) વર્કિંગ ગ્રુપની બેઠક પણ યોજાઈ

જામનગર, 19 નવેમ્બર (હિ.સ.) : ભારતીય વાયુસેના દ્વારા હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (HQ IDS) અને સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (HQ SWAC) ના નેજા હેઠળ 17 થી 19 નવેમ્બર 2026 દરમિયાન એર ફોર્સ સ્ટેશન જામનગર ખાતે બહુરાષ્ટ્રીય માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) કવાયત 'સહાયતા સેતુ 2026' યોજાઈ હતી. રાષ્ટ્રીય એજન્સીઓ અને મિત્ર વિદેશી દેશોના સંકલનમાં યોજાયેલી આ ત્રિદિવસીય કવાયતનું મલ્ટી-એજન્સી કેપેબિલિટી ડેમોન્સ્ટ્રેશન સાથે સમાપન થયું હતું.

ભારતીય વાયુસેનાએ હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ અને સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના સંયુક્ત ઉપક્રમે જામનગર એર ફોર્સ સ્ટેશન ખાતે 17 થી 19 નવેમ્બર 2026 દરમિયાન બહુરાષ્ટ્રીય HADR કવાયત 'સહાયતા સેતુ 2026'નું આયોજન કર્યું હતું. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓ અને મિત્ર વિદેશી રાષ્ટ્રોના સહયોગથી યોજાયેલી આ કવાયતના અંતિમ દિવસે મલ્ટી-એજન્સી કેપેબિલિટી ડેમોન્સ્ટ્રેશન (MACD) યોજાયું હતું, જેમાં સંકલિત આપત્તિ પ્રતિભાવ ક્ષમતાઓનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદેશી પ્રતિનિધિમંડળો સાથે વિશેષ સંવાદ સત્ર યોજાયું હતું. આ સમાપન સમારોહમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ એન. એસ. રાજા સુબ્રમણી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ચીફ ઓફ એર સ્ટાફ એર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિત, ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, સધર્ન કમાન્ડ, વેસ્ટર્ન નેવલ કમાન્ડ અને સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના વડાઓ સહિત વરિષ્ઠ સૈન્ય-નાગરિક અધિકારીઓ, મીડિયાકર્મીઓ અને શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

સામૂહિક સજ્જતા વધારવા અને પરસ્પર જ્ઞાનના આદાન-પ્રદાન માટે 'સહાયતા સેતુ 2026'માં બહુ-પરિમાણીય અભિગમ અપનાવવામાં આવ્યો હતો. કવાયત અંતર્ગત આયોજિત સેમિનારે નિપુણતાની આપ-લે માટે મંચ પૂરું પાડ્યું હતું, જ્યારે ટેબલ ટોપ એક્સરસાઇઝ (TTX) દ્વારા સિમ્યુલેટેડ આપત્તિની પરિસ્થિતિમાં ઝડપી નિર્ણય લેવા અને પ્રતિભાવ આયોજનની પ્રેક્ટિસ કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્ટેટિક ડિસ્પ્લેમાં આધુનિક બચાવ સાધનો અને તકનીકી ક્ષમતાઓનો પરિચય કરાવવામાં આવ્યો હતો. મલ્ટી-એજન્સી કેપેબિલિટી ડેમોન્સ્ટ્રેશન હેઠળ જમીન, હવા અને દરિયાઈ એમ ત્રણેય ક્ષેત્રોમાં કાર્યકારી ક્ષમતાઓ અને આંતર-એજન્સી સંકલનનું વ્યવહારુ પ્રદર્શન યોજાયું હતું. આ સમગ્ર આયોજને સહભાગી દળો વચ્ચે સમજણ અને સામૂહિક પ્રતિભાવ ક્ષમતા વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ કવાયત દરમિયાન QUAD HADR વર્કિંગ ગ્રુપની મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી, જેમાં ક્વાડ ભાગીદારી હેઠળ સંકલિત આપત્તિ પ્રતિભાવ પદ્ધતિઓને આગળ વધારવા અને પ્રાદેશિક ક્ષમતા નિર્માણને વધુ સુદૃઢ બનાવવા માટે સભ્ય રાષ્ટ્રોની સહિયારી પ્રતિબદ્ધતા દોહરાવવામાં આવી હતી. આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ એન. એસ. રાજા સુબ્રમણીએ જણાવ્યું હતું કે કુદરતી આપત્તિઓ સામે અસરકારક રાહત કામગીરી માટે સંકલિત સમગ્ર રાષ્ટ્ર અભિગમ અનિવાર્ય છે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત તેની નેબરહુડ ફર્સ્ટ નીતિ અને 'મહાસાગર'ના વિઝનને અનુસરીને, સમગ્ર ઇન્ડો-પેસિફિક અને હિંદ મહાસાગર ક્ષેત્ર (IOR) માં એક વિશ્વસનીય પ્રથમ પ્રતિભાવક તરીકેની ભૂમિકા નિભાવી રહ્યું છે.

'સહાયતા સેતુ 2026'ના સફળ આયોજને કુદરતી આફતો અને માનવતાવાદી કટોકટીઓનો સામનો કરવા માટે સંકલિત આયોજન, સીમલેસ સંકલન, ઇન્ટરઓપરેબિલિટી અને તકનીકી નવીનતાના ઉપયોગનું મહત્વ સ્પષ્ટ કર્યું હતું. સમગ્ર-સરકાર અને સમગ્ર-સમાજ અભિગમ દ્વારા જટિલ આપત્તિ દૃશ્યોને પહોંચી વળવામાં સંરક્ષણ દળો, રાષ્ટ્રીય એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારોની સામૂહિક ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. આ કવાયતે માનવતાવાદી સેવા, આંતરરાષ્ટ્રીય સહયોગ અને કાર્યકારી ઉત્કૃષ્ટતા પ્રત્યે તમામ સહભાગી રાષ્ટ્રોની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande