
કચ્છ, 02 નવેમ્બર (હિ.સ.) કચ્છ જિલ્લામાં જુગાર અને નશાકારક પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત આડેસર પોલીસે મોટી સફળતા મેળવી છે. રાપર તાલુકાના મોટી હમીરપર ગામે ગંજીપાનાની મદદથી રૂપિયા-પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ચાર શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં રોકડ રકમ, ગંજીપાનાં અને પાંચ મોટરસાઇકલ સહિત કુલ રૂ. 1,39,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અનુસંધાને આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ વિસ્તારના પેટ્રોલિંગમાં હતો.
આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રાપર તાલુકાના મોટી હમીરપર ગામે કેટલાક ઇસમો ભેગા થઈ ગંજીપાનાં વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં જુગાર રમતા ચાર ઇસમો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે તમામની અટકાયત કરી સ્થળ પરથી રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ કબજે લીધો હતો.
પોલીસે પકડેલા આરોપીઓમાં રામા બાઉભાઈ ઉમટ , બાબુ જેસાભાઈ કોલી , ગોવા રાણાભાઈ ભરવાડ અને દાના વેલાભાઈ ભરવાડ નો સમાવેશ થાય છે.
દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી રોકડા રૂ. 39,300, ગંજીપાનાંનાં 52 પત્તાં તેમજ પાંચ મોટરસાઇકલ મળી કુલ રૂ. 1,39,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે આડેસર પોલીસ સ્ટેશનમાં ગુના હેઠળ ગુજરાત જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar