
- પરિક્રમા રૂટ પર હંગામી દવાખાના અને રાવટીઓમાં આરોગ્ય કર્મીઓની ટીમો તૈનાત
જુનાગઢ, 20 નવેમ્બર (હિ.સ.) : ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકોને આરોગ્યલક્ષી કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારુ આરોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરિક્રમા રૂટ પર કાર્યરત હંગામી દવાખાના ઉપરાંત વિવિધ રાવતીઓ પરથી આરોગ્ય કર્મીઓ દ્વારા ભાવિકોને સતત સારવાર અને તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં શરીરમાં દુખાવો, તાવ, શરદી સહિતની વિવિધ તકલીફો ધરાવતા કુલ ૧,૦૯૯ ભાવિકોને સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત જરૂરિયાતના સમયે તાત્કાલિક તબીબી સહાય મળી રહે તે માટે એમ્બ્યુલન્સ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે.
આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં શરીરમાં દુખાવાની તકલીફ ધરાવતા ૫૭૯, તાવના ૧૧૮, શરદીના ૨૭૦, ઝાડાના ૧૩, ઊલટીના ૮, ઝાડા-ઊલટીના ૬ તેમજ વીંછી કરડવાના ૪ કેસમાં સારવાર આપવામાં આવી છે. જ્યારે વધુ સારવારની જરૂરિયાત ધરાવતા ૧૫ ભાવિકોને રિફર કરવામાં આવ્યા છે. આમ, પરિક્રમા દરમિયાન આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ભાવિકોને સમયસર તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, પરિક્રમા પ્રવેશદ્વાર પાસે યાત્રિકોની વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને તેમની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તેમજ ભીડનું સુચારુ સંચાલન થઈ શકે તે હેતુથી આજે વહેલી સવારે ૫:૪૫ કલાકે પરિક્રમા પ્રવેશદ્વાર ખોલવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ