


પોરબંદર , 26 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની સામાન્ય
સભા મહાનગરપાલિકાના સભાખંડ ખાતે મેયર સાગરભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ
બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર કિશન બી. ગરસર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા સહિત મહાનગરપાલિકાના
કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકાના વહીવટી અને નાણાકીય સંબંધિત વિવિધ
મુદ્દાઓ ચર્ચા અર્થે રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે પોરબંદર મહાનગરપાલિકા
ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (પ્લાનિંગ)ની એક જગ્યા સરકારશ્રી તરફથી મંજુર
કરવામાં આવેલ છે જે જગ્યા ભરવા અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવશે. જેથી શહેરના નગર
આયોજન, જમીન મૂલ્યાંકન, જમીન સંપાદનના કેસો તથા બિનખેતી હેતુ
માટેની વિકાસ પરવાનગીના પ્રકરણોની ચકાસણી સહિતની કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનશે.
આ ઉપરાંત વર્ષ 2025-26ના જાન્યુઆરીથી માર્ચ સુધીના ચોથા ત્રિમાસિક ગાળાના
ઉપજ-ખર્ચના હિસાબ, વર્ષ 2025-26ના એપ્રિલથી માર્ચ સુધીના
વાર્ષિક ઉપજ-ખર્ચના હિસાબ તથા ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના એપ્રિલથી જૂન સુધીના પ્રથમ ત્રિમાસિક ગાળાના
ઉપજ-ખર્ચના હિસાબો પણ બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત નાણાકીય હિસાબો અંગે
સ્થાયી સમિતિના ઠરાવ અંક 116, તા.
19 નવેમ્બર, 2026ના રોજ ભલામણ સાથે મંજૂરી માટે રજૂ
કરવામાં આવ્યા હતા. જનરલ બોર્ડની બેઠકમાં રજૂ થયેલા વિવિધ વિષયો અંગે
ચર્ચા-વિચારણા કરી જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા હતા તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવા
સંબંધિત અધિકારીઓને સત્તા આપવા અંગે કાર્યવાહી કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya