
પોરબંદર, 26 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના પાતા ગામના બસ સ્ટેન્ડથી આશરે ૫૦ મીટર દૂર પોરબંદર તરફ જતા હાઇવે પર છકડો રિક્ષા પલટી જતાં ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે રિક્ષામાં સવાર ચાર વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. મળતી વિગતો મુજબ, બળેજ ગામના વણકરવાસમાં રહેતા રસિકભાઈ પૂંજાભાઈ સાદિયા (ઉ.વ. ૪૪) છકડો રિક્ષા નં. GJ11-Y-2895 પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવી રહ્યા હતા. દરમિયાન રસ્તા પર અચાનક કૂતરું આવી જતાં તેમણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રિક્ષા પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર ચંદુભાઈ અર્જનભાઈ વેગડા (ઉ.વ. ૨૮)ને ડાબા પગની આંગળી તથા ડાબા હાથના ખભા પાસે ઇજાઓ થઈ હતી. પ્રશાંત દિનેશભાઈ વેગડાને પણ ડાબા હાથમાં ઇજા પહોંચી હતી. રિક્ષામાં બેઠેલા એક વૃદ્ધને માથાના ભાગે લોહી નીકળતી ગંભીર ઇજા સહિત શરીરે છોલાણ થયાં હતાં, જ્યારે એક મહિલાને પીઠના ભાગે છોલાણ જેવી ઇજાઓ થઈ હતી. અકસ્મતમાં છકડો રિક્ષા ચાલક રસિકભાઈ સાદિયાને પણ માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya