
પોરબંદર, 26 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના ભદ્રકાલી પાટા પાસે માનવતા અને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. અહીં ફરજ પર હાજર ટ્રાફિક બ્રિગેડના જવાનો અક્ષય અપારનાથી અને શક્તિસિંહ જેઠવાને એક મહિલાની મદદથી ખોવાયેલું પર્સ તેના મૂળ માલિક સુધી પહોંચાડવામાં સફળતા મળી હતી. મળતી માહિતી મુજબ, સાંજે આશરે 7:30 વાગ્યે મહારાજબાગમાં રહેતાં નયનાબેન કારીયાને એક પર્સ મળી આવ્યું હતું. તેમણે પર્સ પોતાની પાસે રાખવાને બદલે ભદ્રકાલી પાટા પાસે ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનોને સોંપ્યું હતું. ત્યારબાદ જવાનોએ ટ્રાફિક ઓફિસ ખાતે જાણ કરતાં સ્ટાફ દ્વારા પર્સના મૂળ માલિકની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પર્સ રવિપાર્કમાં રહેતાં મંજુબેન મારૂનું હોવાનું સામે આવ્યું હતું. સંપર્ક સાધતાં મંજુબેને પર્સની ઓળખ અને તેમાં રહેલી રોકડ રકમ અંગેની વિગતો આપી હતી. ત્યારબાદ તેમની પુત્રી સુજાતાબેન મારૂને ટ્રાફિક ઓફિસ ખાતે બોલાવી રૂ. 4,600 રોકડ સહિતનું પર્સ પરત સોંપવામાં આવ્યું હતું. પર્સ પરત મળતાં સુજાતાબેને નયનાબેન કારીયા તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનો અક્ષય અપારનાથી અને શક્તિસિંહ જેઠવાનો આભાર વ્યક્ત કર્યો હતો. એક તરફ નયનાબેનની પ્રામાણિકતા અને બીજી તરફ ટ્રાફિક જવાનોની જવાબદારીપૂર્ણ કામગીરીએ માનવતા અને નાગરિક સેવા ભાવનાનું સરાહનીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya