




હાઈકોર્ટમાં મેટર હોવા છતાં પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરાતા ખેડૂતોમાં ભારે રોષ
એક જ જમીનની બે નકલ નીકળતી હોવાની ખેડૂતોની રજૂઆત, તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ
લેન્ડ ટુ બી ટ્રાન્સફરનો ઓર્ડર રદ કરવાનો હુકમ છતાં હાઈકોર્ટમાં પ્રોગ્રેસિવ રિપોર્ટ સબમિટ ન કરાયાના આક્ષેપ
ભરૂચ 27 નવેમ્બર (હિ.સ.)
અંકલેશ્વરના નાના બોરભાઠા બેટ ગામે જમીન સંપાદન અને ટ્રાન્સફરના વિવાદમાં તંત્રની કામગીરી સામે ખેડૂતોએ ગંભીર આક્ષેપો કર્યા છે. મામલો હાઈકોર્ટમાં પડતર હોવા છતાં પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જોકે, ઘટનાસ્થળે હાજર પોલીસે સમય સૂચકતા વાપરી મધ્યસ્થી કરતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે.
ભાડભૂત બેરેજની કામગીરી શરૂ થતાની સાથે જ ખેડૂતોએ સ્થળ પર પહોંચી વિરોધ નોંધાવતા થોડા સમય માટે તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું. પરંતુ, સ્થળ પર હાજર પોલીસ સ્ટાફે સંયમપૂર્વક બંને પક્ષોની રજૂઆત સાંભળી મધ્યસ્થી કરી હતી. પોલીસની સમજાવટ બાદ મામલો હાલ પૂરતો થાળે પડ્યો હતો.
નાના બોરભાઠા બેટ ખાતે કોન્ટ્રાકટ કંપનીના કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવા પહોંચ્યા હતા. 6 વર્ષથી ખેડૂતોને બેરેજ માટે સંપદાન થયેલ જમીનનું વળતર ન મળ્યું હોવાના આક્ષેપ છે ખેડૂતોના 150 જેટલા સર્વે નંબરો કાઢી સરકારી જમીન બનાવી દીધી હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. 1 જ જમીનની 2 નકલ નીકળતી હોવાની રજુઆત ખેડૂતોએ કરી હતી.મામલો હાઇકોર્ટમાં હોવા છતાં પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરાતા ખેડૂતો આક્રોશમાં
નાના બોરભાઠા બેટ જમીન વિવાદને લઈને ખેડૂતો અને તંત્ર ફરી એકવાર આમને-સામને આવી ગયા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, એક જ જમીનની બે-બે નકલો નીકળતી હોવાની ગંભીર ક્ષતિ અંગે અગાઉ રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત, 'લેન્ડ ટુ બી ટ્રાન્સફર'નો ઓર્ડર રદ કરવાનો સ્પષ્ટ હુકમ હોવા છતાં સંબંધિત વિભાગ દ્વારા હાઈકોર્ટમાં પ્રોગ્રેસિવ રિપોર્ટ પણ સબમિટ કરવામાં આવ્યો ન હોવાના ગંભીર આક્ષેપો ખેડૂતોએ લગાવ્યા છે.
આ સમગ્ર મામલો હાલ હાઈકોર્ટમાં વિચારાધીન છે, તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખીને વિવાદિત જમીન પર કામગીરી શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવતા ખેડૂતો લાલઘૂમ થયા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિ વણસે તે પહેલાં જ પોલીસ અધિકારીઓએ બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરી સમજાવટનો માર્ગ અપનાવ્યો હતો, જેના પગલે હાલ પૂરતો મામલો શાંત પડ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ