
પાટણ, 27 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં ચાણસ્મા–બેચરાજી હાઈવે પર કારોડા ગામ નજીક દુઃખદ ઘટના સામે આવી છે. રોડની સાઈડમાં પાણી ભરેલી ચોકડીમાં બાઈક સાથે યુવક પડી જતાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ હતી.
મળતી માહિતી મુજબ, બેચરાજી તાલુકાના મોઢેરા ગામના રહેવાસી મેહુલભાઈ દિનેશભાઈ પટેલ (29) બાઈક લઈને ચાણસ્મા–બેચરાજી હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન ચાણસ્માથી કારોડા ગામ તરફના માર્ગ પર અગમ્ય કારણોસર તેઓ બાઈક સાથે રોડની બાજુમાં આવેલી પાણીથી ભરેલી ચોકડીમાં ખાબક્યા હતા. પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું કરુણ મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે.
બનાવની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ચાણસ્મા ખાતે લાવવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ચાણસ્મા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી હતી. યુવક કયા સંજોગોમાં બાઈક સાથે પાણી ભરેલી ચોકડીમાં પડ્યા હતા તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ