
પાટણ, 27 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના હારીજ તાલુકાના સરેલ ગામે ‘ખેત બચાઓ અભિયાન’ અંતર્ગત ખેડૂતો માટે ખાતરના કાર્યક્ષમ ઉપયોગ, ખાતર વ્યવસ્થાપન અને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. મહિલા પ્રગતિશીલ ખેડૂત જ્યોત્સનાબેન પ્રકાશભાઈ ચૌધરીના ‘રેવાબા ખારેક મોડેલ ફાર્મ’ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ખેડૂતોને રાસાયણિક ખાતર અને દવાઓનો વપરાશ ઘટાડવા તેમજ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં બ્લોકના કૃષિ તાંત્રિક અધિકારી એસ.આર. પરમારે અભિયાનના હેતુઓ સમજાવી જમીનની ફળદ્રુપતા જાળવવા અને ખેતીનો ખર્ચ ઘટાડવા ભલામણ કરેલા જથ્થા મુજબ જ ખાતરનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. ખેતીવાડી વિભાગના ગ્રામસેવક ધવલભાઈ દેસાઈએ ખેડૂતલક્ષી સરકારી યોજનાઓ અને ખાતર વ્યવસ્થાપન અંગે માહિતી આપી હતી. જ્યારે નિવૃત્ત કર્મચારી અમૃતભાઈ પી. પ્રજાપતિએ પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તાલુકા સહ-સંયોજક જયંતીભાઈ પ્રજાપતિએ જૈવિક અસ્ત્રોનો ઉપયોગ વધારવા અને ક્લસ્ટર મુજબ ત્રણ ગામ વચ્ચે એક બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર (BRC) વેચાણ કેન્દ્ર સ્થાપવાની વ્યવસ્થા અંગે માહિતી આપી હતી.
તાલીમ દરમિયાન ખેડૂતોને BRC યુનિટના ઉપયોગ, જૈવિક અસ્ત્રોની ઉપલબ્ધતા અને તેના મહત્વ વિશે પણ સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO)ની રચના, તેની કામગીરી, ખેતપેદાશોના વેચાણ અને બજાર વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન અપાયું હતું. ખેડૂતોને ઓછા ખર્ચે ટકાઉ ખેતી તરફ આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર તાલીમ કાર્યક્રમનું આયોજન અને સંચાલન સોહિતકુમાર પરમાર તથા નીરવકુમાર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ