
રાજકોટ, 27 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના બહુમાળી ભવનમાં બીજા માળે આવેલ સિનિયર ભુસ્તર શાસ્ત્રીની કચેરીમાં જ ફરજ બજાવતા 57 વર્ષીય પ્યુન પ્રભાબેન રતિલાલ સરવૈયાએ સ્ટોરરૂમની અંદર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે જાણ થતા 108 અને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના 80 ફૂટ રોડ પર આવેલ સત્યમ પાર્ક સોસાયટીમાં રહેતા 57 વર્ષીય પ્રભાબેન રતિલાલ સરવૈયા કે જેઓ બહુમાળી ભવનમાં બીજા માળે આવેલ ભૂસ્તર શાસ્ત્રીની કચેરીમાં પ્યુન તરીકે ફરજ બજાવતા હતા જેઓ આજે સવારના 10 વાગ્યાં આસપાસ પોતાની ઓફિસમાં આવી સ્ટોર રૂમની અંદર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જો કે આ સમયે ઓફિસમાં કોઈ હાજર ન હતું અને બાદમાં અન્ય પ્યુન ઓફિસ પર પહોંચતા બનાવ અંગે જાણ થતા તેમના દ્વારા ઓફિસમાં અન્ય સ્ટાફને જાણ કરી 108 તેમજ પોલીસને જાણ કરવામાં આવતા સ્થળ પર પહોંચી પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પ્રભાબેનના પતિ રતિલાલભાઈનું 2004માં અવસાન થયું હતું અને તેઓ પણ બહુમાળી ભવનમાં નોકરી કરતા હતા જેમની જગ્યાએ પ્રભાબેનને નોકરી મળી હતી. તેમને સંતાનમાં બે દીકરા હતા જેમાંથી એક દીકરાનું થોડા સમય પહેલા અકસ્માતે મોત થયું હતું જ્યારે બીજો દીકરો માતાની સાથે રહેતો હતો અને પ્રાઇવેટ નોકરીમાં ઓનલાઇન વર્ક ફ્રોમ હોમમાં કામ કરે છે જે પોતે અપરણિત છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પ્રભાબેન છેલ્લા કેટલાક સમયથી બીમાર પણ રહેતા હતા અને ડિપ્રેશનમાં પણ રહેતા હતા જેથી બીમારીથી કંટાળી આત્મહત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt