
પાટણ, 28 નવેમ્બર (હિ.સ.) : પાટણના રાણકી વાવ રોડ પર સહસ્ત્રલિંગ તળાવ નાકા પાસે વીજ લાઈનના રિપેરિંગ કામ દરમિયાન જીઈબી કર્મચારી નરેશભાઈ પરમારને વીજ કરંટ લાગતાં ગંભીર રીતે દાઝી ગયા હતા. કામગીરી દરમિયાન અચાનક બનેલી આ ઘટનાથી સ્થળ પર દોડધામ મચી ગઈ હતી.
ઘટના બાદ તેમને તાત્કાલિક 108 મારફતે પાટણની જનતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કર્મચારીના મોતથી પરિવારજનો અને વીજ વિભાગના સ્ટાફમાં શોકની લાગણી ફેલાઈ છે.
મૃતકના કાકા હસમુખ પરમારે જણાવ્યું હતું કે પરિવારને ફોન દ્વારા અકસ્માતની જાણ કરવામાં આવી હતી. તેમણે હોસ્પિટલમાં તબીબોની હાજરી અને 108 મારફતે મળેલી સારવાર અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.
પરિવારજનોએ વીજ સપ્લાય, ફીડર અને રિપેરિંગ દરમિયાન લાઈન કોણે ચાલુ કે બંધ કરી હતી તેની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ ઘટનાસમયે ફરજ પર હાજર કર્મચારીઓની ભૂમિકા અંગે પણ તપાસ કરવાની માગણી કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ