વડાપ્રધાન મોદીએ છત્તીસગઢના બસ્તરમાં સીઆરપીએફના જવાનો સાથે દીપાવલીની ઉજવણી કરી
સતત 13મા વર્ષે જવાનો વચ્ચે પહોંચ્યા વડાપ્રધાન, નક્સલવાદ મુક્ત ભારતને ઐતિહાસિક ઉપલબ્ધિ ગણાવી જગદલપુર, નવી દિલ્હી, 08 નવેમ્બર (હિ.સ.)। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, રવિવારે છત્તીસગઢના બસ્તર પહોંચીને કરણપુર સ્થિત કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ (સીઆરપીએફ) કેમ
છત્તીસગઢના બસ્તરમાં સીઆરપીએફના જવાનો સાથે દીપાવલીની ઉજવણી કરતા વડાપ્રધાન મોદી


-સતત 13મા વર્ષે જવાનો વચ્ચે પહોંચ્યા વડાપ્રધાન, નક્સલવાદ મુક્ત ભારતને ઐતિહાસિક ઉપલબ્ધિ ગણાવી

જગદલપુર, નવી દિલ્હી, 08 નવેમ્બર (હિ.સ.)। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, રવિવારે છત્તીસગઢના બસ્તર પહોંચીને કરણપુર સ્થિત કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ (સીઆરપીએફ) કેમ્પમાં સુરક્ષા દળોના જવાનો સાથે દીપાવલીની ઉજવણી કરી.

આ દરમિયાન સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું. કાર્યક્રમમાં ડીઆરજીની બે બટાલિયનના જવાનો પણ સામેલ થયા હતા. વડાપ્રધાને જવાનોને પોતાનો પરિવાર ગણાવતા તેમના ત્યાગ, સમર્પણ અને બલિદાનની પ્રશંસા કરી.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બસ્તરમાં ક્યારેક નક્સલવાદનો ગંભીર ખતરો હતો, પરંતુ સુરક્ષા દળોના અદમ્ય સાહસ અને સતત પ્રયાસોથી હવે અહીં વિકાસની નવી લહેર શરૂ થઈ છે. તેમણે કહ્યું કે, વર્ષ 2026ની દીપાવલી દેશ માટે ઐતિહાસિક છે. આ પહેલી દીપાવલી છે, જ્યારે દેશનો દરેક જિલ્લો નક્સલવાદથી મુક્ત થઈ ચૂક્યો છે. તેમણે નક્સલવાદ વિરુદ્ધની લડાઈમાં પોતાના પ્રાણોની આહુતિ આપનારા જવાનોને નમન કરતા તેમના યોગદાનને દેશ માટે અમૂલ્ય ગણાવ્યું.

વડાપ્રધાને કેમ્પમાં તૈનાત જવાનો સાથે સીધી મુલાકાત કરી અને તેમના હાલચાલ જાણ્યા. તેમણે જવાનોના દૈનિક જીવન, તાલીમ તથા દુર્ગમ વિસ્તારોમાં તૈનાતી દરમિયાન આવતી પડકારો વિશે પણ જાણકારી લીધી. આ દરમિયાન તેમણે જવાનો સાથે સમય વિતાવ્યો અને તેમને મીઠાઈ ખવડાવીને દીપાવલીની શુભેચ્છાઓ આપી. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય પણ આ અવસરે હાજર રહ્યા.

આ પહેલા વડાપ્રધાન મોદીએ કરણપુર સ્થિત કોબ્રા ઓપરેશન્સ બેઝની મુલાકાત લીધી. આ બેઝ બસ્તર અને અબુઝમાડના જંગલોમાં નક્સલ વિરોધી અભિયાનો માટે તાલીમ કેન્દ્ર અને લોન્ચ પેડ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આશરે 311 એકરમાં ફેલાયેલા આ કેમ્પમાં કોબ્રા કમાન્ડોને જંગલ યુદ્ધ અને નક્સલ વિરોધી અભિયાનોની વિશેષ તાલીમ આપવામાં આવે છે. કેમ્પ પરિસરમાં સીઆરપીએફનું 50 પથારીવાળું સંયુક્ત હોસ્પિટલ પણ આવેલું છે.

મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે રાજ્યમાં નક્સલ ઉન્મૂલન અને શાંતિ વ્યવસ્થા કાયમ કરવામાં સુરક્ષા દળોના યોગદાનની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ઝડપથી શાંતિ અને વિકાસનું વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2014થી સતત દીપાવલીના અવસરે દેશની સુરક્ષામાં તૈનાત જવાનો વચ્ચે પહોંચીને તહેવાર ઉજવતા રહ્યા છે. વર્ષ 2014થી 2025 સુધી તેઓ 12 વાર જવાનો સાથે દીપાવલી ઉજવી ચૂક્યા છે. ગત વર્ષ 2025માં તેમણે ગોવા અને કારવારના પશ્ચિમી સમુદ્રી તટ પર આઈએનએસ વિક્રાંતમાં નૌસૈનિકો સાથે દીપાવલી ઉજવી હતી.

આ વર્ષોમાં વડાપ્રધાને દેશના વિવિધ સરહદી અને સામરિક રીતે મહત્વપૂર્ણ વિસ્તારોની મુલાકાત લીધી. જમ્મુ-કાશ્મીરમાં તેમણે ત્રણ વાર, જ્યારે હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં બે-બે વાર જવાનો સાથે દીપાવલી ઉજવી. આ વખતે બસ્તર પહોંચીને તેમણે જવાનો સાથે દીપાવલી ઉજવવાની પોતાની પરંપરાને સતત 13મા વર્ષે પણ જાળવી રાખી.

વડાપ્રધાન મોદીએ જવાનો સાથે દીપાવલી ઉજવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો. વીડિયોમાં તેઓ જવાનોને મીઠાઈ ખવડાવતા જોવા મળી રહ્યા છે. આ સાથે તેમણે લખ્યું, Diwali is sweeter with those who protect us! અર્થાત, આપણી રક્ષા કરનારાઓ સાથે દીપાવલી વધુ મીઠી બની જાય છે.

હિન્દુસ્થાન સમાચાર / રાકેશ પાંડે / ગેવેન્દ્ર પ્રસાદ પટેલ / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande