
નવી દિલ્હી, 08 નવેમ્બર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે, આ વખતની દિવાળી વિશેષ છે. આ પહેલી દિવાળી છે, જ્યારે દેશનો દરેક જિલ્લો નક્સલવાદથી મુક્ત થઈ ચૂક્યો છે અને કરોડો દેશવાસીઓ વામપંથી આતંકવાદના પ્રભાવથી મુક્ત થઈ ચૂક્યા છે. તેમણે કહ્યું કે, 47 વર્ષ પછી પહેલીવાર છેલ્લા 1 વર્ષમાં સીઆરપીએફ ના એક પણ જવાનનો ડ્યુટી દરમિયાન જીવ ગયો નથી.
વડાપ્રધાન મોદી રવિવારે પરંપરા મુજબ દીપાવલીના અવસરે જવાનો વચ્ચે પહોંચ્યા. આ વખતે તેઓ છત્તીસગઢના બસ્તર જિલ્લામાં સીઆરપીએફ જવાનો વચ્ચે પહોંચ્યા.
આ દરમિયાન જવાનોને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું કે, આંતરિક સુરક્ષા મજબૂત હોય તો જ દેશ બાહ્ય દુશ્મનો સામે લડવામાં સક્ષમ બને છે. અગાઉની સરકારોએ નક્સલવાદને ‘અસાધ્ય’ બીમારી સમજીને એમ જ છોડી દીધો હતો. આ પ્રકારની નીતિથી આગળ વધી શકાય તેમ નહોતું. 2014માં મજબૂત રણનીતિ અને બુલંદ જુસ્સા સાથે તેમની સરકારે રાજકીય ઇચ્છાશક્તિની કમી દૂર કરી અને નક્સલવાદ વિરુદ્ધ નિર્ણાયક લડાઈ લડી. આજે આના જ કારણે દેશ નક્સલવાદથી મુક્ત થઈ ચૂક્યો છે.
વડાપ્રધાને કહ્યું કે, તેમની સરકારે સેવાભાવ સાથે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં લોકોના જીવનને બદલવાનું કામ કર્યું છે અને આ જ કારણથી નક્સલવાદથી પીડિત લોકો સરકાર અને સુરક્ષા દળો સાથે મજબૂતીથી ઊભા છે.
વડાપ્રધાને આ દરમિયાન સુરક્ષા દળોના જવાનોના ત્યાગ અને તપસ્યાની પ્રશંસા કરી અને કહ્યું કે, તેમના પ્રયાસોને કારણે જ નક્સલી આતંકનો ખાત્મો શક્ય બન્યો અને વિકાસની બહાર આવી. તેમણે કહ્યું કે, તેઓ તમામ ભારતીયો વતી તેમનો આભાર વ્યક્ત કરવા આવ્યા છે.
તેમણે કહ્યું, “દેશની આંતરિક સુરક્ષામાં લાગેલા સુરક્ષા દળો, સીઆરપીએફ, કોબ્રા, બીએસએફ, આઈટીબીપીનો એક-એક જવાન, એસએસબી, આઈઆરબી અને રાજ્યોની પોલીસનો એક-એક સિપાહી, બસ્તર ફાઇટર જેવા સ્પેશિયલ ફોર્સના કમાન્ડો, મહિલા ફાઇટર, આ દેશ તમારી સેવાઓ માટે તમારો ઋણી છે.”
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેમની સરકારે જે રીતે કલમ 370 હટાવવા અને દેશને નક્સલવાદથી મુક્ત કરવાના પોતાના સંકલ્પને પૂરો કર્યો છે, તે જ રીતે દેશને ગરીબીમાંથી મુક્ત કરવા, નશામુક્ત બનાવવા તથા વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પ અને લક્ષ્યને હાંસલ કરવામાં પણ સફળ થશે.
વડાપ્રધાને ફરી એકવાર સચેત કરતા કહ્યું કે, નક્સલવાદ વિરુદ્ધની લડાઈ છતાં ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી. તેમણે કહ્યું કે, ભલે જંગલોમાંથી નક્સલવાદીઓનો સફાયો થઈ ગયો છે પરંતુ માનસિક નક્સલવાદીઓએ ઘણા સંગઠનો પર કબજો જમાવી રાખ્યો છે. રાજકીય પક્ષો અને સંગઠનોમાં પણ તેમની ઘૂસણખોરી છે. તેમની ઓળખ કરવી જરૂરી છે. આ લોકો દેશના બંધારણ અને લોકશાહી વિરુદ્ધ લોકોને ઉશ્કેરી રહ્યા છે.
વડાપ્રધાને તાજેતરમાં વિશ્વ બેંકના એક રિપોર્ટનો હવાલો આપતા કહ્યું કે, આ મુજબ, છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશમાં 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. તેમણે કહ્યું કે, ગરીબી હટાવોના નારાથી જે કામ શક્ય નહોતું બન્યું, તે છેલ્લા 12 વર્ષમાં દેશે કરીને બતાવ્યું છે. તેમણે ગરીબ કલ્યાણ માટે પોતાની સરકાર દ્વારા ચલાવવામાં આવેલી યોજનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ યોજનાઓ એક રંગોળીની જેમ છે, જે એકબીજા સાથે જોડાઈને એક સુંદર દ્રશ્ય બનાવે છે. તેમણે જનધન, પીએમ આવાસ, મુદ્રા, સ્વનિધિ, આયુષ્માન ભારત, મફત રાશન, સસ્તી દવાઓ અને સુરક્ષા સંબંધિત સરકારી યોજનાઓનો ઉલ્લેખ કર્યો.
તેમણે કહ્યું કે, જે પરિવારોને પહેલા ગરીબી વારસામાં મળતી હતી, હવે તેમને સારા ભવિષ્યની આશા મળી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ