વારાણસીમાં મુસ્લિમ મહિલાઓએ ભગવાન શ્રીરામ અને માતા સીતાની આરતી ઉતારી, સામાજિક સદ્ભાવનો સંદેશ આપ્યો
વારાણસી, નવી દિલ્હી, 08 નવેમ્બર (હિ.સ.). ધર્મનગરી વારાણસીમાં દીપાવલીના પાવન અવસર પર રવિવારે મુસ્લિમ મહિલાઓએ ભગવાન શ્રીરામ અને માતા સીતાની આરતી ઉતારીને સામાજિક સદ્ભાવ, સાંસ્કૃતિક એકતા અને પરસ્પર ભાઈચારાનો સંદેશ આપ્યો. મહિલાઓએ પરંપરાગત રીતે સજાવેલી થ
મુસ્લિમ મહિલાઓએ ભગવાન શ્રીરામ અને માતા સીતાની આરતી ઉતારી


વારાણસી, નવી દિલ્હી, 08 નવેમ્બર (હિ.સ.). ધર્મનગરી વારાણસીમાં દીપાવલીના પાવન અવસર પર રવિવારે મુસ્લિમ મહિલાઓએ ભગવાન શ્રીરામ અને માતા સીતાની આરતી ઉતારીને સામાજિક સદ્ભાવ, સાંસ્કૃતિક એકતા અને પરસ્પર ભાઈચારાનો સંદેશ આપ્યો. મહિલાઓએ પરંપરાગત રીતે સજાવેલી થાળીઓમાં દીપ પ્રગટાવીને પૂરા શ્રદ્ધાભાવથી શ્રીરામ મહાઆરતીમાં ભાગ લીધો.

વિશાલ ભારત સંસ્થાન અને મુસ્લિમ મહિલા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે, રવિવારે લમહી સ્થિત સુભાષ ભવનમાં શ્રીરામ મહાઆરતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમમાં સામેલ મહિલાઓએ કહ્યું કે, દીપાવલી જેવા પર્વો કોઈ એક ધર્મ કે સમુદાય પૂરતા સીમિત નથી, પરંતુ તે સમગ્ર દેશની સહિયારી સાંસ્કૃતિક પરંપરા અને વારસાનો ભાગ છે. જ્યારે કેટલાક લોકો ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાઓને લઈને સમાજમાં વિભાજન પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, આવા સમયે તેમણે પોતાની ધાર્મિક ઓળખથી ઉપર ઉઠીને સહિયારા વારસા અને સામાજિક સમરસતાનો સંદેશ આપવાની પહેલ કરી છે. મહિલાઓએ કહ્યું કે, ધર્મ બદલવાથી આપણે અરબી નહીં થઈ જઈએ અને ન તો અરબની સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ બની જશે. આપણા મૂળ ભારતની માટી અને અહીંની પરંપરાઓ સાથે જોડાયેલા છે. આપણને આપણી સાંસ્કૃતિક ઓળખ અને પૂર્વજોના વારસા પર ગર્વ છે.

મુસ્લિમ મહિલા ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ નાઝનીન અંસારીએ કહ્યું કે, ભારતની ધરતી પર રહેતા લોકોના ધર્મ અને પૂજા-પદ્ધતિઓ ભલે અલગ-અલગ હોય, પરંતુ તેમના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મૂળ એકબીજા સાથે જોડાયેલા છે. ધર્મ પરિવર્તનથી પૂર્વજો બદલાઈ જતા નથી. તેમણે કહ્યું કે, પોતાની પરંપરાઓ અને સાંસ્કૃતિક ઓળખથી વિખૂટા પડીને કોઈ પણ સમાજ પોતાની વાસ્તવિક ઓળખ કાયમ રાખી શકતો નથી.

તેમણે કહ્યું કે, જે લોકો અરબી, તુર્કી કે ઈરાની સંસ્કૃતિ અપનાવીને પોતાની ઓળખ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમને સમજવું જોઈએ કે ભારતનો પોતાનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો છે. આપણે આપણા મૂળ, પરંપરાઓ અને પૂર્વજોના ગૌરવને સ્વીકારીને આગળ વધવું જોઈએ. ભગવાન શ્રીરામના જીવનમાંથી પરિવારમાં ત્યાગ, મર્યાદા, સમર્પણ અને રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્યની પ્રેરણા મળે છે. રામરાજ્યનો પાયો પણ આ જ આદર્શો પર ટકેલો છે.

વિશાલ ભારત સંસ્થાનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. રાજીવે કહ્યું કે, મુસ્લિમ મહિલાઓ પોતાની પહેલથી સમાજને જોડવાનું અને સાંસ્કૃતિક એકતાને મજબૂત કરવાનું કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, આજે દુનિયામાં પરિવાર અને સામાજિક સંબંધો વિખેરાઈ રહ્યા છે. આવા સમયે ભગવાન શ્રીરામના ત્યાગ, મર્યાદા અને પારિવારિક મૂલ્યોને અપનાવવાની જરૂર છે. વિશ્વ શાંતિ અને સામાજિક સમરસતા માટે તમામ સમુદાયોએ એકબીજાની સાંસ્કૃતિક પરંપરાઓ અને આદર્શોનું સન્માન કરવું જોઈએ.

ડો. નઝમા પરવીને કહ્યું કે, રામરાજ્યની પરિકલ્પના ફક્ત ભારત જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશો માટે આદર્શ રહી છે. ભગવાન શ્રીરામના જીવન અને આદર્શોને વાંચવા-સમજવાની જરૂર છે. તેમણે કહ્યું કે, ઘેર-ઘેર શ્રીરામના ત્યાગ, મર્યાદા અને આદર્શોની ચર્ચા થવી જોઈએ. આનાથી પરિવારોમાં પ્રેમ, સદ્ભાવ અને સમૃદ્ધિનું વાતાવરણ બનશે.

શ્રીરામ મહાઆરતી કાર્યક્રમમાં નગીના બેગમ, નાઝમા બાનો, શમસુન્નશા, તબસ્સુમ, ડો. અર્ચના ભારતવંશી, ડો. મૃદુલા જયસ્વાલ, ઝીનત રહેમાન, રોકસાર પરવીન, પ્રજ્ઞા, ઇલી, ખુશી, ઉજાલા, દક્ષિતા, સરોજ, પૂનમ અને સુનીતા સહિત અન્ય મહિલાઓએ ઉત્સાહપૂર્વક સહભાગિતા કરી. કાર્યક્રમના માધ્યમથી મહિલાઓએ ભારતીય સંસ્કૃતિના સહિયારા વારસા, ધાર્મિક સહિષ્ણુતા અને સામાજિક એકતાનો સંદેશ આપતા દીપાવલીના પર્વને પરસ્પર પ્રેમ અને સદ્ભાવ સાથે ઉજવવાનું આહ્વાન કર્યું.

હિન્દુસ્થાન સમાચાર / શ્રીધર ત્રિપાઠી / શિવ સિંહ / દીપક / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande