
સોમનાથ,11 ફેબ્રુઆરી (હિ.સ.) તાલાલા ગીરથી જામવાળા-ઉના તરફ જતા માર્ગ ઉપર છ માસથી બંધ એસ.ટી પરિવહન સેવા પુન: શરૂ થતા તાલાલા,ગીર ગઢડા,ઉના ઉપરાંત સોરઠની ગ્રામીણ મુસાફર જનતામાં આનંદ છવાયો છે.
આંકોલવાડી ગીર ખેડૂત ચર્ચા મંડળના પ્રમુખ છગન સાવલિયાએ આપેલ વિગત પ્રમાણે જામવાળા તથા થોરડી ગામ પાસેના પુલો ડેમેજ થતાં આંકોલવાડી-ઉના વચ્ચેની એસ.ટી પરિવહન સેવા બંધ હતી...જામવાળા ગામે પીઠડ
માતાજીના મંદિર પાસેના જુના કોઝ-વે ની મરામત ઉપરાંત થોરડી પાસે ડાઈવર્ઝન પુલ બનાવવામાં આવતા 60 કિ.મી નો ત્રણ તાલુકા માંથી પસાર થતો માર્ગ શરૂ થયો છે.આ માર્ગ શરૂ થતા વિવિધ ડેપોની છ માસથી બંધ આઠ એસ.ટી બસો પુન: શરૂ થઈ છે.બે દિવસ બાદ ભાવનગર થી આંકોલવાડી ગીર નાઇટમાં આવતી એસ.ટી બસ પણ શરૂ થઈ જશે તેમ આંકોલવાડી ગીર એસ.ટી બસ સ્ટેન્ડ ના અધિકારી ભરતભાઈએ જણાવ્યું છે.ગીર સોમનાથ તથા જૂનાગઢ જિલ્લાની પ્રજા માટે આશીર્વાદરૂપ તાલાલા-ઉના વાયા જામવાળા-ગીર ગઢડા માર્ગ શરૂ થતા છ માસથી બંધ પરિવહન સેવા પુન: ધમધમતી થતાં મુસાફર જનતાને ખુબજ રાહત મળતા સર્વત્ર ખુશી જોવા મળે છે. ઉના જતી બસો વાયા પ્રાંચી થઈ જતી હતી.
તાલાલા ગીરથી જામવાળા-ઉના માર્ગ બંધ થતાં આ માર્ગ ઉપરથી પસાર થતી તમાંમ એસ.ટી.બસો વાયા પાંચી-કોડીનાર થઈ ઉના જતી હતી.વૈકલ્પિક માર્ગ ખુબજ લાંબો થતો હોય જેથી મુસાફર જનતા ત્રાહિમામ થઈ ગઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ