
પાટણ, 14 ફેબ્રુઆરી (હિ.સ.) : સિદ્ધપુરના ખળી ખાતે મહાલક્ષ્મી સીલીયમ પ્રાઇવેટ લિમિટેડ અને સિદ્ધપુર તાલુકા રેડ ક્રોસ સોસાયટી શાખા દ્વારા સ્વર્ગસ્થ ભાવેશકુમાર નાથાલાલ પટેલની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 85 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે.
કેમ્પમાં ઇસબગુલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સભ્યો, સ્થાનિક નાગરિકો તેમજ મહાલક્ષ્મી સીલીયમ પ્રાઇવેટ લિમિટેડના ભાગીદારો હિતેશભાઈ (ટીનાભાઈ), ભરતભાઈ અને મયંકભાઈ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
સિદ્ધપુર સિવિલ હોસ્પિટલના બ્લડ બેન્કના ડોક્ટરો અને સ્ટાફ દ્વારા ટેકનિકલ કામગીરી સંભાળવામાં આવી હતી, જેના કારણે કેમ્પ સુચારૂ રીતે પૂર્ણ થયો હતો.
આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટી સિદ્ધપુરના ઉપપ્રમુખ પ્રવીણ મોદી, મંત્રી સુરેશ પંચાલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. કેમ્પના અંતે તમામ રક્તદાતાઓને મહાલક્ષ્મી સીલીયમ પ્રાઇવેટ લિમિટેડ તરફથી ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ