
પાટણ, 14 ફેબ્રુઆરી (હિ.સ.) : સિદ્ધપુરમાં દાઉદી વ્હોરા સમાજના ૫૩મા સર્વોચ્ચ ધર્મગુરુ ડૉ. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબનું આગમન થતા ધાર્મિક નગરીમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. તેમના સ્વાગત માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વ્હોરા સમાજના શ્રદ્ધાળુઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે ધર્મગુરુનું અભિવાદન કરી તેમના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમણે વ્હોરા સમાજ સાથેના સ્નેહભર્યા સંબંધોને યાદ કરતા આગામી સમયમાં પણ વિકાસ અને સેવાના કાર્યો માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે વ્હોરા સમાજ દ્વારા શિક્ષણ, શાંતિ અને માનવતાના ક્ષેત્રમાં કરવામાં આવતા કાર્યોની નોંધ લેવામાં આવી હતી. ધર્મગુરુના માર્ગદર્શન હેઠળ સમાજમાં અનુશાસન અને સમર્પણની ભાવના પ્રબળ બને છે તે બાબત પર ભાર મૂકાયો હતો.
કાર્યક્રમમાં વિષ્ણુ પટેલ, બાબુ પટેલ, પ્રહલાદ પટેલ, શંભુભાઈ દેસાઈ, દિલીપજી ઠાકોર, જશુ પટેલ અને જગદીશ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સ્થાનિક વ્હોરા અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ધર્મગુરુના દર્શનનો લાભ લીધો હતો.
આ આગમન ધાર્મિક સૌહાર્દ અને સામાજિક એકતાનું પ્રતિક બન્યું હતું, જેના કારણે સમગ્ર શહેરમાં આધ્યાત્મિક ઉમંગનો માહોલ સર્જાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ